________________
શ્રી નેમિનાથજી
1009
અવિરતિનું - અવ્રતનું પ્રતિક્રમણ થાય છે.
આત્મા પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકાર-નિષ્ક્રિય-નિત્ય છે. સ્વસંવેદનથી પ્રત્યક્ષ કરવા યોગ્ય છે. સ્વસંવેદનથી વિપરીત અવ્રતપરિણામરૂપ વિકાર-દોષ–અપરાધને અવિરતિપણું કહેવામાં આવે છે. ષટ્કાય જીવોના વધનો પરિણામ એ છ પ્રકારે અવિરતિ છે. તેમ પાંચ ઇન્દ્રિય અને મનના વિષયોમાં રાગાદિભાવે પ્રવર્તન એ બીજા છ પ્રકારે અવિરતિ છે. એમ બાર પ્રકારે અવિરતિ કહેવામાં આવી છે. તેથી મુમુક્ષુઓને આ બારે પ્રકારની અવિરતિનું પ્રતિક્રમણ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે.
જે જીવો બહિરાત્મભાવમાં નિમગ્ન છે, અવ્રતી છે, તેમને વિરતિધર્મને ધારણ કરવાનું કહ્યું છે. શુદ્ધ ઉપયોગમાં રમણતા થતાં સહેજે અવિરતિધર્મનું પ્રતિક્રમણ થઈ જાય છે. શુભાશુભ-પર્યાય વિનાના ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને નિરંતર પ્રતીતિમાં લેવું અને તેમાં જ ઉપયોગને જારી રાખવો એ શુદ્ધ ઉપયોગ છે. સર્વજ્ઞ ભગવાનનું આ શાશ્વત વિધાન છે કે આ ભવમાં જો વિશેષ પુરુષાર્થ ઉપડે તો અવ્રતનું પ્રતિક્રમણ કરી લેવા જેવું છે. ઉત્તરોત્તર ભાવોની વિશુદ્ધિથી અવ્રતના પ્રતિક્રમણના શ્રીગણેશ મંડાય છે.
તેનાથી આગળ વધીને પ્રમાદ અને કષાયનું પણ પ્રતિક્રમણ કરવાનું છે. આત્માની આત્મસ્વરૂપે વિસ્મૃતિ તે પ્રમાદ છે, જેમાં વિષય, કષાય, નિદ્રાં, વિકથા અને મઘનો સમાવેશ થાય છે. આ બધા જ તત્ત્વો આત્માના સ્વરૂપને ભૂલાવનારા હોવાથી પ્રમાદ કહ્યા છે. પહેલા ગુણસ્થાનકથી લઈને છઠ્ઠા ગુણસ્થાનક સુધી પ્રમાદને સ્થાન છે, જે સ્વરૂપ-રુચિથી માંડીને સ્વરૂપ-રમણતામાં અવસ્થા ભેદે પ્રતિબંધક બને છે. પ્રમાદ, ચારિત્રપાલનમાં અનુત્સાહને લાવે છે. પ્રમાદનું પ્રતિક્રમણ થતાં પ્રમાદ અંતર્ગત કષાયનું પ્રતિક્રમણ પણ આવી જાય છે.
શ્રુત-દૃષ્ટ-અનુભૂત; એમાં માત્ર અનુભૂત જ ‘સ્વ' છે.