________________
952
હૃદય નયન નિહાળે જગધણી
પશુ જનની- તેમાં પશુ એટલે પશુતા-જડતા-અજ્ઞાન-અંધકારમિથ્યાત્વ ભવાભિનંદિતા આ બધા પશુભાવો છે. તેનાથી ઉપર ઉઠવાપણું, દિવ્યભાવ-અંતરાત્મભાવ-શિવભાવ-પરમાત્મભાવમાં આવવાપણું, અનાદિ અનંતકાળથી જે પરભાવોમાં રમણતા હતી-બહિરાત્મપણું હતું તેને છોડવું તે જ કરૂણા છે. તે જ અનુગ્રહપણું જાણવું.
(આણી હૃદય વિચાર) - એટલે કે પ્રાકૃતિક ભાવોમાંથી મારો પણ ઉદ્ધાર કરો ! પ્રાકૃતિકપણું તે જડતા છે. તેમાં રમણતા એ સ્વની હિંસા છે. માનવી ઉત્તમ પાત્ર છે. તે હંમેશા કલ્યાણકામી જ હોય. પ્રાકૃતિક ભાવોથી ઉપર ઉઠવાપણાના પરમ પુરુષાર્થથી યુક્ત હોવાથી સભાનતાપૂર્વકની આત્મજાગૃતિ કેવળ મનુષ્યપણામાં જ પ્રાપ્ત થઇ શકે છે. બાકી મનુષ્ય અને પશુમાં શું ફરક હોઇ શકે ? અજ્ઞાનના અંધકારમાંમિથ્યાત્વમાં, અવિરતિપણામાં, કષાયભાવોમાં રાચવું, યોગોની ચંચળતા તે જ માણસમાં જોવા મળે કે જેમાં આત્મજાગૃતિ વિકસિત ન થઈ હોય અને તેથી તેવા માણસને નીતિશાસ્ત્રમાં પશુ સમાન ગણ્યો છે; માત્ર તેને શિંગડા અને પુછડું જ નથી. આકૃતિ પશુની નથી પણ આચાર તો પશુભાવ જેવા જ છે. પશુભાવથી જો ઉપર ઉઠવાપણું ન હોય તો તેનો ઉદ્ધાર શી રીતે થાય ?
(કુણ ઘર આચાર ?) આ સંસારમાં બહિરાત્મભાવમાં રમતા જીવો જ વિશેષપણે જોવામાં આવી રહ્યા છે. દાન-શીલ-વ્રત-તપ-જપ વગેરે દ્વારા લૌકિક અને ભૌતિક અનુકૂળ સંયોગોને જ ઈચ્છનાર, તેમાં ધર્મ માનનાર અને મનાવનાર, એ દ્વારા લોકોત્તર ધર્મને પણ લૌકિક બનાવનાર એવા આત્માઓને પૂછવું પડે કે આ વળી કયા ઘરનો આચાર છે ?
અદ્વૈત તત્ત્વના આગ્રહી થવું અને ભોગી પણ બનવું.