________________
185 : હૃદય નયન નિહાળે જગધણી
શરીરથી છૂટા પડીને અશરીરી બની જવાનું છે.
જ્ઞાનાનંદે હો પુરણ પાવનો, વરજિત સકલ ઉપાધિ; સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગરુ, ઈમ પરમાતમ સાધ. સુજ્ઞાની ૪ પાઠાંતરે પાવનોની જગાએ પાવતો અને સાધની જગાએ સાધઈ.
શબ્દાર્થ જ્ઞાનના આનંદથી પૂરેપૂરો ભરપૂર, પરમ-પવિત્ર (શુદ્ધ), કર્માદિક સર્વ ઉપાધિઓ-વિડંબણાઓથી રહિત, ઈન્દ્રિયાતીત એટલે કે દિવ્ય-ગુણોના સમુહ (ગણ) રૂપ મણિ એટલે રત્નોના આગર-આકરસાગર-ખાણ સમાન એવી જે સાધ્ય પરમાત્મ અવસ્થા છે તેની હે સુજ્ઞ! તું સાધના કર !
લક્ષ્યાર્થ-વિવેચનઃ બહિરાત્મા, અંતરાત્માની વાત કર્યા પછી હવે કવિરાજ યોગીવર્ય સ્તવનની આ ગાથામાં આત્માનું પૂર્ણ, પરમપાવન, શુદ્ધ, પરમાત્મસ્વરૂપ જે સાધકનું લક્ષ્ય છે, તે કેવું હોય તેની વાત કરે છે.
જ્ઞાન અને આનંદથી પૂર્ણ બનેલ આત્માને જિનાગમમાં પરમાત્મા કહ્યો છે. ઘાતિકર્મોનો સંપૂર્ણ ક્ષય થયો હોવાથી એક-એક પ્રદેશે અનંતઅનંત આનંદરસવેદન કેવળી અને સિદ્ધભગવંતોને હોય છે. નિર્વિકલ્પતા, સર્વજ્ઞતા અને વીતરાગતા એ ત્રણેયનું એકત્વ રૂપ સહજાનંદીપણું તેઓને વર્તે છે.
અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ, અનંતવીર્ય, અનામી, અરૂપી, અમૂર્ત, અવ્યાબાધતા, અગુરુલઘુતા, અમ્રુતતા, અવ્યયતા, અક્ષયતા, અજરામરતા, અવિનાશીતા, ઈત્યાદિ વિધેયાત્મક અને નિષેધાત્મક અતીન્દ્રિય અનંતગુણોના તેઓ આગરુ-આકર એટલે ખાણ સમાન છે.
ગતિમાં ગમન અને મરણ છે જ્યારે સ્થિતિમાં શમન અને રમણ છે. (અને ઠરણ-અકરણ છે.)