________________
૫૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
વાતો કરીને કોઈ અહીં સુધી આવે જ નહિ એવી સ્થિતિ કેટલાકે ઊભી કરી છે. અહીં આવે તો પેલા પામેને ? નિયમ ભાંગે તો હરકત નહિ એમ આપણે કહેતા જ નથી, પણ મુદ્દો એ છે કે ભાંગવાની બીકે નિયમ લેવા જ નહિ એમ મનથી નક્કી કરી લેવું એમાં તો મૂર્ખાઈની હદ આવી જાય છે. ભાંગવા માટે તો નિયમ ન જ લેવાય. ભાંગે તો વાંધો નહિ એમ વિચારી નિયમ લેવો એ અધમતા છે. ‘કેમ ન પળાય, જરૂર પાળીશ' આવી ભાવનાથી જ નિયમ લેવાય. નિયમ પાળવાની કાળજી પૂરેપૂરી હોવી જોઈએ. એમ છતાં એ આત્મા કદી દૈવયોગે નિયમ ન પાળી શક્યો અને પડી ગયો તો પણ શાસ્ત્ર કહે છે કે એક વાર તો એ પામી ગયો. નિયમ લેતી વખતે જે પરિણામ આવે છે તેમાં બીંજ પડી જાય છે. એનો એકડો નક્કી થઈ જાય છે. પછી તેને પૂર્વના કર્મયોગે સંસારમાં રૂલવું પણ પડે પણ અર્ધપુદ્ગલ પરાવર્તમાં એની મુક્તિ નિયમા થાય છે. એકડો નક્કી થવો એનો અર્થ જ આ છે.
પડેલાને ચડાવવા માટે આ શાસન છે
સભા નિયમ ભાંગનારો ફરી લે ખરો ?”
1242
જરૂર લે; અને જે કારણથી એક વાર પોતે નિયમ ભાંગ્યો હોય, એનાથી હવે પોતે બરાબર સાવધ રહે . પડેલાને ફરી ચડવાનો હક્ક નથી એવું કહેના૨ા અજ્ઞાન છે. બગડેલાને સુધા૨વા માટે તો આ શાસન છે. અનાદિ કાળના મલિન આત્માને સંપૂર્ણ શુદ્ધ બનાવવા માટે તો ભગવાને આ શાસનની સ્થાપના કરી છે. બધા શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ સ્વયં અનાદિકાળના મલિન હતા તે પણ આ શાસનના યોગે અનંતકાળ ઊજળા બન્યા. મેલાને જ ઊજળા બનવાનું છે.
શાસ્ત્ર પડાય નહિ તે માટે સાવચેત રહેવા જણાવ્યું, પડવાથી થતી દુર્દશાનું વર્ણન પણ કર્યું; પણ સાથે જ કહ્યું કે ચડીને પડેલા આત્માઓ ‘નહિ ચડવા માટે જ નહિ ચડેલા' આત્માઓ કરતાં ઘણા ઊંચા છે.
ગોશાળાએ ભયંકર ગુરુદ્રોહ કર્યો, તીર્થંક૨દેવની ઘોર આશાતના કરી, મહાવીર પ્રભુને મારી નાંખવાની બુદ્ધિએ તેમના પર તેજોલેશ્યા મૂકી, આટલું છતાં એના માટે સ્વયં ભગવાને નિયમા મુક્તિ જણાવી. કરેલા પાપના યોગે એ અનંતકાળ રૂલશે એ વાત નક્કી, પણ એ અનંતકાળ એટલે જેનો અંત નહિ એવો અનંતકાળ નહિ, અનંત પુદ્ગલપરાવર્ત પણ નહિ, એક પુદ્ગલપરાવર્ત પણ નહિ અને અર્ધ પુદ્ગલપરાવર્ત પણ પૂરો નહિ; પરંતુ એની અંદરના કાળને પણ જૈનદર્શનમાં અનંતો કાળ કહે છે. જૈનદર્શનના અનંતા અને અસંખ્યાતાની ગણતરીના અર્થ જાણવા જેવા છે.