________________
૪૩૬
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
1624
તો બધી મર્યાદા જુદી જુદી બાંધી. સાધુને જીવનભરનું સામાયિક, શ્રાવકને બે ઘડીનું સામાયિક અને ચાર કે આઠ પ્રહરનો પૌષધ, આ બધી મર્યાદા ખરીને ? સાતે ક્ષેત્રો પૂજ્ય છતાં ત્યાં દશા નિર્મમભાવની છે. પૂજ્ય પોતાની પૂજા ઇચ્છે નહિ અને ધર્મી સાતે ક્ષેત્રની શક્તિ મુજબ પૂજા કર્યા વિના રહે નહિ. હવે આ દશામાં વિગ્રહ છે ક્યાં ? ભક્તિની વિધિ સમજો ! લાખોની કમાણી કરાવનાર આડતિયાની મહેમાનગતિ જે રીતે કરો. તેથી પણ અધિક રીતે દરિદ્રી પણ શ્રાવક આવે એની ભક્તિ કરવાની છે અને મુનિપાત્ર તો એથી પણ ઊંચું છે. પ્રભુપૂજાની સામગ્રી કેવી હોય?
જેટલી ઉત્તમ ચીજો પોતાના ભોગવટામાં લો તેથી અધિક સારી ચીજો દેવગુરુ ધર્મની ભક્તિમાં વાપરવી જોઈએ. રાજદરબારમાં સુંદર કપડાં પહેરીને જનારા મંદિર-ઉપાશ્રયે એથી પણ સુંદર વસ્ત્રો પહેરીને જાય. શ્રાવક ઘરે પ્યાલા વગેરે જેવા વાપરે તેનાથી પણ સુંદર કળશાદિક પાત્રો મંદિરમાં વાપરે. બાકી આજની હાલત તો જુદી છે. ભગવાનને કહેવા ત્રણ લોકના નાથ અને પૂજા કરવા જાય ત્યારે પંચિયું કે મેલાંઘેલાં કપડાં પહેરે, જેમ તેમ ડૂચા વાળ, કેસર વગેરે સામગ્રી ઘસનારાએ જેવી તૈયાર રાખી હોય તેવી લઈને કામ ચલાવે. અભિષેકના કળશો પણ કેવા ? ચીકણા, ઉપર ઉપરથી સાફ કરેલા પણ અંદર હાથ નાંખે તો હાથ ચીકણા થયા વિના રહે નહિ. એવા ગંદા પ્યાલામાં પાણી ન પીવાય પણ એ ગમે તેવા કળશોથી અભિષેક થાય. આ કેવા પ્રકારની ભક્તિ ? છતાં બચાવ કરવો હોય તો કરું કે “નહિ કરનારા કરતાં તો સારા છે ને ? નહિ મામા કરતાં કહેણા મામા શું ખોટા ? એ બધું ઠીક છે, બાકી બતાવો કે ભક્તિ છે ક્યાં ? વાઢી નમાવીને જેને ઘી ખાવા મળે તેને પૂજા કરવા ઘરનું કેસર ન મળે ? એક શ્રીમાન ઉત્તમ સામગ્રી લઈને પૂજા કરવા જાય તેને જોઈને અનેક લોકો ધર્મ પામે. તમારો આદર્શ શો છે?
ઉમદા સામગ્રી લઈને પ્રભુભક્તિ કરવા જનારને જોઈને બધા એની ભક્તિની અનુમોદના કરીને લાભ લે છે. આજે જેઓ સાધર્મનો ઉદય કરવા નીકળ્યા છે તેઓ પોતાની જાતનો ઉદય નથી કરી શકતા, તો સાધર્મનો ઉદય શી રીતે કરવાના ? જેમને કેમ બોલવું, કેમ ચાલવું, કેમ વર્તવું તેનું ભાન નથી એવાઓ તો પોતાના સહવાસમાં આવનારનું પણ સત્યાનાશ વાળવાના. જાતનો ઉદય ન કરે તે બીજાનો કદી ન કરી શકે. પાંગળો આદમી બીજાને દોરે શી રીતે ? શરીરના કે દુનિયાદારીના ભોગવટામાં જે ચીજો વપરાય તેનાથી