________________
૩૬૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 1548 પ્રતીતિને કારણે આ બધી અમારી મહેનત છે. જ્ઞાની ભગવંતો કહે છે કે પ્રયત્નથી છઠું સાતમું યાવત્ તેરમું અને ચૌદમું પણ મળશે. આજે શાસન ખરું કે નહિ?
ભગવાનના શાસનમાં પાંચ પ્રકારનાં ચારિત્રમાંથી આજે બે રહ્યાં; સામાયિક અને છેદોપસ્થાપનીય. વળી પાંચ પ્રકારના મુનિમાંથી બે રહ્યા; બકુશ અને કુશીલ. આમ છતાં આજે શાસન ખરું કે નહિ ? કર્મગ્રંથ ભણેલા તો ઘણાં રાત્રે ખાતાં અને અસત્ય બોલતાં જોવામાં આવે છે. સાધુની પારિષ્ઠાપનિકા સમિતિની ખામીની તેઓ વાત કરે છે તે હું જાણું છું; પણ એ તો ઠેઠ સુધી નથી પહોંચી શકતા માટે એટલે સુધી જ ગયા છે. એક વસ્તુ રસ્તામાં પડી ગઈ, અનુપયોગનો દોષ થયો જરૂર પણ યોગ્ય સ્થળે શોધવા છતાં ન મળી. પછી વોસિરાવી દીધી તો ત્યાં પાછળની ક્રિયા સાથે મુનિને કાંઈ લાગતુંવળગતું નથી. શરીરનો મળ તજવા વખતે વોસિરાવ્યો ત્યાર પછીની ક્રિયા સાથે નિસબત નથી. એ માટે સ્થાન જોઈએ તે બે જાતનાં હોય. કુદરતી અને કૃત્રિમ. તમે વિવેક ચૂક્યા એટલે મુનિને કુદરતી ન મળે એ બને. તમને જાજરૂ વિના ન ચાલે એવી દશાએ તમે પહોંચ્યા. તેથી મુનિને આધાકર્મીનો દોષ તો લાગ્યો પણ પછીની ક્રિયાનો દોષ ન લાગે. મુંબઈની વાત તો દૂર રહી પણ હવે તો ગામડામાં પણ ચોમાસામાં એવી સ્થિતિ હોય છે કે મુંબઈ જેવી ભૂમિ પણ વખતે ત્યાં નથી મળતી. દુરારાધ્ય કહ્યું પણ અનારાધ્ય ન કહ્યું:
કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરદેવે પોતે કહ્યું છે કે, આજથી માંડીને સંયમ દુરારાધ્ય થશે.” દુરારાધ્ય કહ્યું, પણ અનારાધ્ય ન કહ્યું. એ લોકોના કહેવા પ્રમાણે તો મુનિનું મડદું બળે તો એ પાપ પણ મુનિને લાગે ને ? પણ એમ ન લાગે. મુનિ કાળધર્મ પામે એટલે આચાર્ય તેમના દેહને વોસિરાવે, પછી શ્રાવકો નવરાવે, ધોવરાવે અને અગ્નિસંસ્કાર કરે એનું પાપ એ મુનિને નહિ. શ્રી તીર્થંકરદેવના શબને પાણીથી નવરાવે છે, ચંદનથી વિલેપન કરે છે, પુષ્પોથી પૂજા કરે છે અને એ રીતે અનેક પ્રકારે ઇંદ્રો ભક્તિ કરે છે અને પછી ચંદનની ચિતામાં અગ્નિસંસ્કાર કરે છે ને ? સંતોષરૂપી નંદનવનનો આનંદ લૂંટવા ઇચ્છનારને મૂળ ગુણ તથા ઉત્તરગુણ પ્રત્યે પ્રેમ કેવો હોય તે વિષે વધુ હવે પછી.