________________
1201
- ૧ : ગુરુઓને પણ ઓળખો – 81 – ૧૩ જાળ વિના માછલાં પકડાય નહિ. એ જ રીતે બાહ્ય શાંતિ એ કુગુરુઓની જાળ છે. એ વિના ભોળાં લોક ફસાય નહિ. આગમવિરુદ્ધ ગમે તેમ બોલવું હોય અને વેશ પણ રાખવો હોય તેને શાંતિ વિના ન ચાલે. આજે તો લોકોને રાજી કરનારા ત્યાં સુધી પણ બોલે છે કે “જ્યાં પોષક ઘી, દૂધ મળે ત્યાં માછલાં ન ખાય એ ઠીક છે. પણ જ્યાં એ ન મળે ત્યાંના લોક માછલાં ખાય એમાં હરકત નથી. એમની નિંદા કરવામાં પાપ છે. વળી એ ખાય છે તે એ જાણે પણ આપણાથી એની નિંદા કેમ થાય ?' આવી આવી વાત કરે પણ એમ ન સમજાવે કે માછલાં ખાવાં એ પાપ છે અને પાપ નિંદ્ય તથા ત્યાજ્ય છે. આવાની શાંતિ પણ લોકોનું શું ભલું કરે ?
ભગવાન મહાવીરદેવે નિર્નવોને કયા શબ્દોથી ઓળખાવ્યા ? અરે, પોતાના જ મરીચિના ભવની નિંદા કરી કે નહિ ? કહી દીધું કે ત્યાં હું ભ્રષ્ટ થયો અને કોટાકોટિ સાગરપ્રમાણ સંસાર વધારી દીધો. ભરત મહારાજાએ પણ
ત્યાં જઈને સાફ જણાવ્યું છે કે- તારા આ વેષને વંદન કરતો નથી પણ ભાવિ જિનપણાને વંદન કરું છું.' આમ મોઢે જણાવ્યું પણ ખોટી પ્રશંસા ન કરી. જો એમ કરત તો મિથ્યાત્વ પામત.
કુગુરુ પાસે “શાંતિ' એ જ લોકપ્રિય બનવાનો અમોઘ ઉપાય છે. સાચા વેપારીને ગુસ્સો આવે. એ તો કહી દે કે “જો ભાવનું લેબલ લગાડેલું છે, ફાવે તો લે નહિ તો તારી મરજી.” પણ જે વેપારીને એના બાર કરવા હોય તેને તો ગ્રાહક લુચ્ચો કહેતોયે શાંતિ રાખે અને આંખનો ખૂણો જરા પણ લાલ થવા ન દે. ગમે તેટલી દલીલ કરાં, ગમે તેટલા પ્રમાણો આપો, ભગવતીજી, ઠાણાંગ; આચારાંગનાં પાનાં બતાવો તો પણ “મને નથી બેસતું' એમ કહે પણ શાંતિ ન ગુમાવે. માટે કુગુરુના ધ્યાન તથા શાંતિ અજબ હોય છે. એને માટે તો બગલાનું દૃષ્ટાંત આપ્યું. બગલાનું ધ્યાન કેવું ? આંખો સામેથી જોનારને બંધ દેખાય પણ પાંપણ જરા ખુલ્લી. એની ધીરજ પણ કેવી ? બરાબર ચાંચમાં ઝડપાય એવી જગ્યાએ માછલું આવે ત્યારે જ એ એને ઉઠાવે અને તે પણ એવી રીતે કે પાસેનું માછલું પણ એ ન જાણી શકે. ઉઠાવ્યા ભેગું તો એ ધ્યાનમાં જ ઊભેલું દેખાય. એ રીતે કુગુરુઓને પણ નવાઓને, ભલા ભોળાઓને આવર્જિત કરવા આવાં ધ્યાન, આવી શાન્તિ રાખવાં જ પડે. લાલપીળા કે ઊંચાનીચા તો સાચાને જ થવું પડે.
લાખની પેઢી પર હક્કની ખોટી તકરાર ઊભી કરનારનું જવાનું શું ? વખતે સો બસો પણ મળવાના છે, જવાના તો પેઢીવાળાના જ છે ને ? પેલો તો મફતિયો છે. એ શાંતિ શું કામ ન રાખે ? ગુસ્સો આવે તો પેઢીના માલિકને આવે.