________________
૨૯૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1492 પાપમાં ફસાયા તો એનાથી બચવા પુણ્યની જરૂર છે. એકલું જ પાપ હોય તો બચાવે કોણ ? પુણ્યને સાથી બનાવાય તો એ પોતાની જાતના (પાપ)ને હઠાવે.
સભાઃ “શરૂઆતમાં પુણ્ય એકાંતે જરૂરી ?”
ના. કર્મનો ક્ષય જ થતો હોય તો પુણ્યનું કામ નથી. પુણ્ય આવે એનો ઇન્કાર નથી. પુણ્યાનુબંધી પુણ્યને ઉપાદેય માનવાનો હેતુ એ જ છે કે એ પાપની સામે ઊભું રહે અને એને હઠાવે. ખરાબ ચીજથી પણ લાભ થતો હોય તે લઈ લેવો. કર્મક્ષયની ક્રિયા શરૂ કરી એટલે એ ક્ષય પૂરો ન થાય ત્યાં સુધી પુણ્ય બંધાય જ. જ્ઞાનીએ બતાવેલી દરેક ક્રિયા એવી છે કે એ સાધવા માંડી અને જો પૂરી ન સધાય, તોય સહાયરૂપ તો જરૂર થવાની અર્થાત્ પુણ્ય બંધાવાનું જ. એટલે જ દુનિયાના રંગરાગમાં રંગાયેલો કાંઈ ન કરે તોય જ્ઞાનીએ એને દાન દેવાનું કહ્યું. આ રીતે જ્ઞાનીએ પાપની ઇમારતમાં કાણું પાડ્યું. રસ્તો ખોલ્યો. આજે પાઈનું દાન દેનારો આવતી કાલે પૈસાનું દેશે અને છેવટે બધું જ તજશે. રંગરાગમાં પડેલો શીલમાં ના પડે, તપથી તોબાહ પોકારે પણ દાનમાં ના ન પાડે. એને દાન દેતો કર્યો એટલે માનવું કે મોહના ઘરમાં છીદ્ર પડ્યું. બે દિવસે, ચાર દિવસે પણ એ દાન શા માટે !એવો વિચાર એને આવે.એના ઘરમાં ધર્મરાજાનો સૈનિક પેઠો.ધર્મ અને મોહ એ બેયની સેના અંદર ગોઠવાઈ ગઈ એમ સમજો.
સભાઃ “આ તો મુત્સદ્દીગીરી થઈ !”
એ મુત્સદ્દીગીરી વિના ચાલે તેમ નથી. આત્મકલ્યાણ માટે એ ઘણી જરૂરી છે. નિર્દય લૂંટારાને સાથી તરીકે ન લેવાય પણ લૂંટનો ધંધો કરવા છતાં થોડી પણ શાહુકારી સ્વીકારતા હોય તેને લેવાય. “મેણો'માં પણ બે જાત હોય છે. એક તો કેવળ લૂંટારા અને બીજા પ્રમાણિકતાને પણ જાણનારા અને શાહુકારો સાથે સંબંધ રાખનારા લૂંટારા. એવાને સાથી કર્યો હોય તો પેલા કેવળ લૂંટારાને ભાગવું પડે. આત્મા અનાદિકાળથી કર્મથી બંધાયો છે, એમાંથી છટકવું છે તો એમાં ગભરાયે ન પાલવે. મુત્સદ્દીગીરી કેળવી એનાં પ્રતિપક્ષી સાધનોનો ઉપયોગ કરવો જ પડે. નિર્દોષ પ્રેમ કોને કહેવાય?
ઘરબારથી છૂટવા દેવ-ગુરુ-ધર્મ પર રાગ કરવો જ પડે. ત્યાં એકદમ ઉતાવળે “રાગ એ પાપ” કહેનારા મૂર્ખ છે. “રાગ એ પાપ” એ પાઠ જ્યાં ત્યાં લાગુ કરવાનું એમને ભણાવ્યું કોણે ? પહેલા ઉપવાસમાં આર્તધ્યાન થવાનો પૂરો સંભવ છે. આજનાઓ કહે છે કે, “આર્તધ્યાનથી દુર્ગતિ થાય માટે ઉપવાસ