________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 1195. ખરીદે છે. જેટલા યાચકોને એ ધૂત્કારે તેટલાની લાતો ખાવાનું એમના માટે નિર્માણ થાય છે. ખરેખર તો એ લક્ષ્મીના માલિકો નથી પણ મજૂર છે. એ સુખે ખાતા પણ નથી. ભૂખ એમને લાગતી નથી. ખાવા માટે એમને ફુરસદ નથી. એમના માથે બીજા ઘણા છે. તાર, ટપાલ અને ટેલિફોનમાંથી એ નવરા પડતા નથી. ગમે તેવી મહત્ત્વની વાત લઈને એમની પાસે જાઓ પણ એમને એ સાંભળવાની ફુરસદ નથી. “હમણાં નહિ, હમણાં નહિ' એમ કહીને હાથ એવા હલાવ્યા કરે કે જાણે કંપવા કે સંનિપાત થયો હોય. કોઈ સામાન્ય માણસ એ રીતે વર્તે તો રોગીમાં જ ખપે. એના ભાણામાં પચાસ ચીજ પડી હોય પણ એમાંની એકેય એના ગળે ન ઊતરે. એ ખાય થોડું ને છાંડે ઘણું. ખાતાં ખાતાં પણ એનું ચિત્ત ઠેકાણે ન હોય. એ જમીને ઊઠ્યા પછી એનું ભાણું જોઈએ તો કોઈ “માણસ” જમીને ઊઠ્યો હોય એવું ન લાગે.
સભાઃ “એઠું ન મૂકે તો સભ્યતા ન ગણાય !”
એઠું મૂકવું એ માણસનું અપલક્ષણ છે. ધર્મી કદી એઠું ન મૂકે ધર્મ મળેલી ચીજનો જરૂર પડ્યે ઉપભોગ કરે પણ એ મેળવવા તલસે નહિ કોઈ પણ દુન્યવી ચીજ ખાતર ધર્મી કદી ધર્મનું બલિદાન ન આપે. પૂર્વના જે મહાપુરુષો રિદ્ધિસિદ્ધિ પામ્યા, ઊંચી પદવીઓ પામ્યા તે ઇચ્છા કરીને નહિ. જો ઇચ્છા કરી હોત તો એવાં સુખ એમને મળ્યાં ન હોત. તમને ઇચ્છા શાની છે ? પૈસાટકા, બંગલા, બગીચા અને દેવાંગના જેવી સ્ત્રીની ને ? તેમ છતાં આજે ફેંકના ઘરમાં કુભાર્યાઓ કેમ ? કૈંક લોકો ભિખારી કેમ ? માટે ઇચ્છાઓનો સંનિપાત કાઢી નાંખો. કાર્યવાહી એવી કરો કે સામગ્રી દોડતી આવે. લક્ષ્મી પાછળ જેટલી મહેનત કરો છો તેટલી ધર્મ પાછળ કરો તો લક્ષ્મી તો દોડતી આવશે, વગર માગે આવશે. આ તો જેમ જેમ લક્ષ્મી માટેની મહેનત વધી તેમ તેમ લક્ષ્મી દૂર ને દૂર ભાગતી ગઈ. શ્રીમંતો પૂર્વના અને આજના :
પૂર્વના શ્રીમંતો મર્યાદિત સમય પેઢી પર જતા, છતાં આવક ઢગલાબંધ થતી. એ ગર્ભશ્રીમંતોની ખાનદાની એવી કે બોલે ત્યાં ફૂલડાં ખરે. એની આજ્ઞાની આડે કોઈ ન આવે. એમના સેવકો એમનો પડ્યો બોલ ઝીલનારા. એ લક્ષ્મીવાનો બાદશાહ જેવા ગણાતા; તેમ છતાં એ સજ્જન એવા કે કોઈની આપત્તિ સાંભળે ત્યાં તરત દોડી જાય. આપત્તિ આવી હોય તેના ઘેર જઈ દિલાસો આપે, તેની જરૂરિયાત પૂરી કરી તત્કાળ એની આપત્તિ ટાળે, ત્યારે જ પોતે શાંતિ અનુભવે.