________________
૧૯૦
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – – 1378
“સચ તો યાત્ જ સંતોષ: I' અર્થ :-જેનાથી આત્માને સારા પ્રકારનો તોષ થાય તે સંતોષ. દુનિયાની સાહ્યબીની ઇચ્છા ચાલુ રહે ત્યાં સુધી છતી સામગ્રીએ પણ સુખ ન ભોગવી શકાય. કોઈ પોતાને સંતોષી જણાવે તો તેની પાસે પ્રમાણ માગવું પડે. સંતોષી કહેવરાવનારે સંતોષીને છાજતા બંધનમાં આવવું પડે. આજે તો નિયમની એવી દુર્દશા કરી છે કે લીધા પછી એ યાદ જ ના આવે અર્થાત્ એને યાદ કરવાની જરૂર જ ન પડે. એ નિયમ જ એવો લે કે જિંદગી સુધી યાદ ન કરે તોય ન ભાંગે. પહેલેથી જ લાંબો પહોળો રાખે. પોતાને જોવા યોગ્ય પદાર્થો તરફ નજર કરી, ચારે દિશાના યોજન ગણી, ઉપર છોગાના પચીસ-પચીસ યોજન વધારાના રાખે; પછી એને વિચાર જ શાનો કરવો પડે ? ખાવાના નિયમમાં બધી વનસ્પતિ નોંધે, કોઈ બાકી ન રહી જાય તેની ખાસ કાળજી રાખે, પછી એ બધી ખુલ્લી રાખી બાકીનાનો નિયમ કરે, કોઈક બાકી રહી જતી હોય તો બીજાઓને પૂછીને પણ તેની નોંધ કરી લે; મતલબ કે વ્યવહારમાં પ્રચલિત વસ્તુઓમાંથી એક પણ બાકી રહેવી ન જોઈએ કે જેથી ભાણામાંથી કાઢવી પડે. આવો નિયમ લે એનું કાંઈ મહત્ત્વ ખરું ? ગામ-પરગામ, સાજે-માંદે અને પછી કોઈ ખાસ કારણે બધી છૂટ ! હવે આવા નિયમે જાત પર અંકુશ ક્યાં મૂક્યો ? એ કહો ! નિયમ ફક્ત નોંધપોથીમાં લખી રાખવા માટે નથી :
વિષય વાસનાઓ પર અંકુશ આવ્યા વિના વાસ્તવિક નિયમો થતા જ નથી. નિયમની અવગણના કરનારા સારા નથી, ભાંગવાની બીકે નિયમ નહિ લેનારા મૂર્ખ છે, પરંતુ જેઓ નિયમ લે છે તેમનામાં પણ આ દુર્દશા હોય તો શું કહેવું ? નિયમ એવા લેવા જોઈએ કે ડગલે ને પગલે એને યાદ કર્યા વિના ન ચાલે. રાજનો અમલદાર ખુરસી પર બેસે કે રાજના બધા કાયદા એની નજર સામે આવે. કાયદાના ભાન વગરનો ખુરસી પર બેસી શું ઉકાળે ? આજે નિયમ લેનારને પોતે કયા નિયમ લીધા છે તેનું ભાન જ ન હોય. નોંધપોથી ખોલે ત્યારે જાણે કે મારે આ નિયમ છે. નિયમ નોંધપોથીમાં લખી રાખવા જ લીધા, હૈયામાં રાખવા માટે નહિ. હૈયામાં રાખે તો કદી ભુલાય નહિ. અમુક ખવાય ને અમુક ન ખવાય એવું હૈયામાં હોય તો ભાણે બેસે ત્યારે બધું જુએ, પણ તમામ મોકળું હોય ત્યાં જોવાનું શું રહ્યું ? કોઈ પણ ચીજનો ત્યાગ કર્યો હોય તો જોવું પડે ને ? વિગઈના ત્યાગી એવી વિગઈ તજે કે વાંધો જ ન આવે. કાચી જ તજી હોય પછી પાકીમાં વાંધો જ ક્યાં આવે ?