________________
1310
૧૨૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
સિવાયના વચલા ટાઇમમાં ચોવિહાર જ છે, વગર અનશને અનશન છે. અચાનક અવસાન થાય તો એ અનશન અને વિરતિમાં જ મરે. એને રસ્તામાં કોઈ પાન ધરે તો એ ન ખાય. કહી દે કે ખાવું હોય તો મારે બેસવું પડે અને ખાઈને મોં શુદ્ધ કરવું પડે એવો મારે નિયમ છે. પેલો પછી કદી એ રીતે ધરે જ નહીં એટલે કાયમની પંચાત મટી જાય.
આવા માણસને કોઈ સાંજે ચોપાટી ફરવા જવા કહે તો એ કહી દે કે-‘ના ભાઈ, મારે તો પ્રતિક્ર્મણ ક૨વા જવું છે. તમે પણ સાથે ચાર્લો.’આ સાંભળી પેલા દાક્ષિણ્યવાન હોય તો પ્રતિક્ર્મણ કરવા સાથે આવે અને નહિ તો ત્યાંથી ૨વાના થઈ જાય. તમારામાં તાકાત હોય તો યોગ્ય સ્નેહીઓને જરૂર ખેંચી શકો. શ્રી અભયકુમારે કૈંકને માર્ગમાં જોડ્યા હતા. અનાર્યદેશના પાટવીને મહામુનિ બનાવ્યા હતા. કાલસૌકરિકના પુત્ર સુલસને ધર્માત્મા બનાવ્યો હતો.
નવકાર ગણીને જ ખાવુંપીવું અને એ વિના ખાવુંપીવું બંધ, આ કાંઈ આકરો અભિગ્રહ છે ? તમે કહેતા હતા કે ‘સહેલું સહેલું બતાવો’ તો આ હવે સહેલું બતાવું છું. આમાં તો કાંઈ દીક્ષા નથી ને ? આમાં નથી તો દીક્ષા, નથી ઊંચું શ્રાવકપણું કે નથી બાર વ્રતો. એ બધું તો બહુ દૂર છે. સમ્યગ્દર્શન, એનાં લક્ષણ, એનાં દૂષણ, એનાં ભૂષણ એ બધી વાતો હમણાં આગળ ઉપર રાખી છે.
હમણાં તો આ સામાન્ય નિયમોની વાત ચાલે છે. એ વ્યસનોથી તો વિરામ પામો ! કુવ્યસનો જાય એટલે રોગ જાય, ખર્ચ બચે, બેકારી ટળે, ધાંધલ ધમાચકડી મટે, દુઃખ જાય, દુર્ધ્યાન જાય, દુષ્ટ વિચારો જાય અને અનેક પીડાઓ ઓછી થાય. પાપના ડૂચા મારનારાનાં મોઢાં જુઓ તો જાણે એક બાજુના ગલોફામાં ગાંઠ નીકળી. વાત કરે તોયે સમજાય નહિ અને બોલતાં થૂંક ઊડે એવી એની દશા હોય. પણ તમે બધા સરખેસ૨ખા છો એટલે તમને વાંધો આવતો નથી, બાકી એ હાલત તો એવી કઢંગી હોય છે કે સારા માણસને એ જોવી પણ ન ગમે. કેટલાકને તો બે પાન સાથે ખાવા જોઈએ. એમાં વળી સત્તર ચીજો નંખાવે એના પૈસા પણ વધારે આપે. રૂપિયા બે રૂપિયા કે પાંચ-દશ રૂપિયાનું પણ પાન થઈ જાય. ચા પણ જાતજાતની. કંઈકને તો અમુક જ હૉટલની ચા જોઈએ. તે સિવાય એને એ ઊતરે નહિ. પીવા છતાં ન પીધી હોય એમ માને. બીડી કે સિગારેટ પણ અમુક જ જોઈએ. આ બધી ઓછી ધાંધલ નથી અને પરાધીનતાનો કોઈ પાર નથી. અમુક જ ચા, અમુક જ પાન, અમુક જ બીડી, આવા અભિગ્રહધારી આજે ઘણા મળશે. એ અભિગ્રહો પાળવાની બહાદુરી બતાવો છો તો અહીં આ અભિગ્રહોમાં કાયર કેમ બનો છો ? ત્યાં શું વાંધો આવે છે ?