________________
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
636.
| શ્રી ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે, “શ્રી જિનમત રૂપ સુરતરુને છોડી અન્ય મતરૂપ બાવળને કોણ વળગે ?” કહો આ મત સુરતરુ છે એની તમને ખાતરી છે ? જો છે તો એનાં કારણ સમજો. એ નહિ સમજો તો આપત્તિમાં ભાગી જવાનો પૂરો સંભવ ! કદી લજ્જાથી ધર્મ નહિ છોડો પણ હૈયામાં થશે કે કાંઈ નહિ !' એ કાંઈ નહિ” એમ થવાનું અને એના પરિણામે કઈ વખતે શ્રી જિનેશ્વરદેવનો ધર્મ છૂટી જાય તે કહેવાય નહિ.
કેવળ મોક્ષની સાધના માટે શ્રી જિનેશ્વરદેવનું શાસન છે એ શ્રદ્ધા અણીશુદ્ધ કેળવવી જોઈએ. આ શાસન પામ્યા છતાં એ ભાવના જાગૃત ન થવા માટે પશ્ચાત્તાપ થવો જોઈએ. ઘરના તથા કુટુંબીઓ પામે એવા મનોરથ થવા જોઈએ. ન પામે તો પમાડવાના પ્રયત્ન કરવા જોઈએ. જેઓ ધર્મ નથી પામેલા તેઓ ધર્મ પામ્યા છે એવા સમાચાર મળે તો હર્ષ થવો જોઈએ. આ સ્વરૂપે વર્ષોથી લખાયું છે, ઘણા મહર્ષિઓએ તમને સંભળાવ્યું છે, “હાજી, હાજી'થી તમે વધાવી પણ લીધું છે, પણ એના પરિણમનને પુરવાર નથી કરી શક્યા, હવે એ કરવું પડશે ! ઓઘદૃષ્ટિએ માત્ર ગતાનુગતિકપણાથી શ્રદ્ધા વિના જૈન મતને સારો કહેનારને શાસ્ત્ર મિથ્યાદષ્ટિ કહે છે, કુળની રૂઢિથી શ્રદ્ધા વિના આચરણા માત્ર કરવાથી સમ્યગ્દષ્ટિ ન થવાય, માટે વસ્તુની પરીક્ષા કરો અને સાચા શ્રદ્ધાળુ બનો.
વસ્તુનું પરિણમન થયું છે, એમ તો ત્યારે જ મનાય કે; જ્યારે “ઘર ભલે જાય પણ ધર્મ રહેવો જોઈએ.” આવી માન્યતા દઢમૂળ થાય. ધર્મ એટલે દયા અને સત્ય આદિ; તેની ખાતર પૂર્વના પુરુષોએ રાજ્ય જતાં કરી ભયંકર આપત્તિઓ વહોલી લીધી છે, ભીખ માંગી છે, એ કયા બળે ?
શ્રી હરીશ્ચન્દ્ર સત્ય માટે બધું જતું કર્યું, પોતે વેચાયો, સ્ત્રી વેચાણી, સંકટો વહોર્યા, વિચારો કે, “એ સત્યને કેવુંક સમજ્યો હશે ?'
મોટો પંડિત થઈ, ચૌદ વિવાનો પારગામી થઈ આવનાર, રાજાનું તથા આખા નગરનું માન પામનાર અને રાજા જેને સામે લેવા જાય એવા દીકરાને તરત જ દૃષ્ટિવાદ ભણાવવા મોકલનાર માતાને ધર્મ કેવો પરિણમ્યો હશે !
સત્ય એ આત્મધર્મ છે એવું સમજાય તો સત્ય એ ધર્મ; પણ સત્યનો ઉપયોગ સોદા માટે હોય ? સોદો હોય તો એ ધર્મ નહિ. ફાવ્યું તો ઠીક નહિતર કંઈ નહિ, એ સત્ય નથી પણ સોદો છે. વધારે ઊંડાણથી વિચારીએ તો એ સોદો પણ નથી કિંતુ લુચ્ચાઈ છે, “અનુકૂળતા હોય તો ધર્મ કરીએ, નહિ તો નહિ' એવું કહેનાર, ધર્મ નથી પણ ડોળઘાલુ છે.