________________
618
૪૮.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - શ્રાવક, શ્રાવકજીવન જીવે તો ?
સભાઃ કેટલાક કહે છે કે, “રેલગાડી તો ચાલે છે, માટે એમાં બેસવામાં પાપ શું ?'
એ યુક્તિ જ ખોટી છે. જિંદગી સુધી રેલમાં ન બેસવું, એવા નિયમવાળાને પાપ ન લાગે. બાકી જેને છુટ્ટી છે એ તો આરંભમાં બેઠો જ છે. જો એવી કુયુક્તિ માનીએ તો તો દુનિયાની ચાલુ કોઈ પણ ચીજનો ઉપયોગ કરવામાં પાપ જ નહિ એમ થાય અને એ કોઈ પણ રીતે વાજબી નથી, યુક્તિસંગત પણ નથી, તેમજ આગમને અનુકૂળ પણ નથી. વિરતિ નથી ત્યાં સુધી અવિરતિ ઓઘે તો રહી જ છે. ગરમ પાણી પીવાનો નિયમ કરનારને બધા પાણીની અવિરતિ નહિ લાગે. આગળના શ્રાવકો અમુક કૂવો રાખતા. પોતાના ઘરમાં એ જ પાણી આવે; એમાંયે ચોમાસામાં ભરેલા ટાંકાનું જ પાણી, બીજુંય નહિ, બીજી ઋતુનુંયે નહિ ! દુનિયામાં ચીજો તો ઘણી છે પણ અમુક જ અને તે પણ આટલી જ ચીજ વાપરવી, અને બાકીનો નિયમ કરતા, પરિગ્રહનું પ્રમાણ બાંધતા. શ્રાવક શ્રાવકજીવન જીવે તો પણ ઘણાં પાપોથી બચી જાય. ઘણું પાપ તો નકામું લાગે છે. વગર ઉપયોગે પણ પાપ તો ખરું જ!
સભાઃ “ઘણું પાપ એમ ને એમ લાગે છે તેનું કારણ શું ?
હૃદયના તોષના અભાવે. સંતોષના અભાવે બધી જ છૂટ. મને આ મળે તો સારું અને મને તે મળે તો સારું, એ ભાવના તો હૃદયમાં બેઠી જ છે. તો પછી પાપ નહિ એ કેમ બને ? જ્યાં સુધી આવી ભાવના બેઠી હોય ત્યાં સુધી પાપનો બંધ તો થવાનો જ. હીરા, માણેક અને પન્ના વગેરે મળતા નથી એ વાત જુદી, પણ મેળવવાની ભાવના તો છે જ ને ? હા, તો પછી પાપ કેમ નહિ ?
સભાઃ ઇચ્છા કરે તો ને ?
અરે ભાઈ ! ઇચ્છા તો બેઠી જ છે. ઇચ્છા ન હોય તો કરો બંધ ! માટે સમજો કે, ઇચ્છા છૂપી તો ગોઠવાયેલી જ છે. અરે ! ઇચ્છા તો શહેનશાહતની છે, પણ મળવાના સંજોગો નથી માટે ઇચ્છા દેખાતી નથી. અત્યારે જરા ઇચ્છા નથી પણ કોક પાંચ લાખ મળવાનું બતાવે તો છોકરાના વિવાહમાં વીસ હજાર ખરચવાની ભાવના તરત જાગે. હૃદયમાં તો એ બેઠું જ હતું, પણ તિજોરી કાણી હતી માટે એ દેખાતું નહોતું. જોષી વીસ લાખ મળવાનું કહે એટલે વીસ લાખ મળ્યા પહેલાં જ વીસસો મનોરથો કરે. “વીસ લાખ' એ શબ્દોએ ઢંકાયેલ ભાવનાને ઉત્તેજિત કરી, “વિવાહમાં આ ભાઈથી સારો ખર્ચ કરું' એ ભાવના તો