________________
605
૩ : ઉપકાર-અપકારનો વિવેક - 43.
તું જ પિતાનો પુત્ર છો કે જેથી પિતાના પંથે અનુગમન કરે છે, હું પણ તે પિતાનો પુત્ર ત્યારે જ ગણાઉં કે જ્યારે તારા જેવો થાઉં !!'
આવા આવા અનુપમ પ્રસંગોનો અભ્યાસ કરી કરીને તમે જે જે દુનિયાદારીની ક્રિયા કરો તેને પુણ્યરૂપ મનાવવા આગ્રહી ન બનો, પણ પુણ્યરૂપ બનાવવા પ્રયત્નવાન બનો. પુણ્યના અંશ એમાં નાંખતાં આવડે, તો જરૂર એ પણ પુણ્યરૂપ બનો; આખા પાપસ્થાનકને પલટાવી પુણ્યસ્થાનક બનાવી શકાય; પણ તે પહેલાં સત્ય કબૂલવું જ પડશે કે, ઘરબાર અને કુટુંબ આદિ ભારરૂપ છે. માટે તમે જો પાપસ્થાનકને પુણ્યસ્થાનક તરીકે સમજાવી શકતા હો તો મને ખુશીથી સમજાવો અને જો તેમ ન હોય તો કબૂલ કરો. એ તો વાંદરાને દારૂ પાઈ નિસરણી આપવા જેવું!
તમે પ્રતિક્રમણ બે વાર કરો છો ? બધાયે શ્રાવક છો ને ? જો જૈન કુળના આચારો સાચવ્યા હોત, તો આજે આ વિગ્રહ જ ન હોત. જન્મથી માંડીને ધર્મક્રિયામાં રંગ નથી, તેનું જ આ તોફાન છે. જેઓ ધર્મથી વિપરીત બન્યા છે તેઓને જેટલું ભણાવાય તેટલું નુકસાન છે; વાંદરાઓને દારૂ પાઈને નિસરણી આપવા જેવું છે. આવડત વિનાના રૂપાળા દીકરાને પણ પેઢી સોંપાય ? એવાને ચાવી આપવામાં પણ હરકત ખરીને ? શેઠિયા મુનીમને ચાવી આપે છે, પણ નાલાયક દીકરાને નથી આપતા. નાલાયકાતના કારણે તો વેપારીઓ ઘરના માણસોને પેઢીથી બહાર રાખી, બહારના માણસને વધારે પગાર આપી પેઢીનું કામ ચલાવે છે.
આ ઉપરથી સમાજનાં સંતાનોને સહાય કરવાનો નિષેધ ન માનતા ! સાધર્મિકને સહાય કરવા માટે તો પોતાના ભોગે પણ બધું જ કરવાની છૂટ છે. પોતે ભૂખ્યા રહીને પણ સાધર્મિકની ભક્તિ કરવી, એ પણ અનુપમ છે. પોતાનાં સંતાનને જેટલું કલ્યાણકારી ભણાવો તેટલું જ સમાજનાં સંતાનોને પણ ભણાવો; પણ એ સમાજનાં સંતાન જોઈએ ને ?
ખેર ! તમારા સમાજનાં કદી ન હોય તો પણ કૃતઘ્ન સમાજનાં તો ન જ જોઈએ. એવાં તો ન જ જોઈએ કે, જે જેના પૈસાથી ભણે તેને જ કાલે સવારે કહે કે, અમને ભણવાની સહાય આપનારા બેવકૂફ, ગધ્ધા અને અભણ છે. એવાને તો કહેવું જોઈએ કે, ઓ હૈયા વિનાના ! એનામાં ઉદારતા છે અને તું ભણ્યો છતાં પણ તારામાં એ ઉદારતા ન આવી, માટે એ ભણેલો અને તે અભણ છે. વિચારો કે, ભણેલો કોણ ? અને પંડિત કોણ ?