________________
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
-
595.
રાજપુણ્ય હું ભોગવું છું.' આવી ભાવનાના યોગે એમને દુઃખ ન થયું, નહિ તો લૂંટવાની ભાવના ન થાત ? માટે વિચારો કે, સુખનો આધાર શાના ઉપર છે ?
પુણ્ય તેમજ પાપ, બેયનો ભોગવટો કરતાં ન આવડે તો સુખ નથી, દુઃખ જ છે. પુણ્ય અને પાપ બેય પર માને, એના યોગે મળેલી સામગ્રીથી પોતાને જુદો માને તો એ બેયનો ભોગવટો કરતાં આવડે અને છોડતાંય આવડે એના અભાવે બધા જ દુઃખી છે. આવી ભાવનાવાળો સાધર્મિક છે અને એની ભક્તિ કરવી તે તો ધર્મની જ ભક્તિ છે. શક્તિ હોવા છતાં આવા જે સાધર્મિકની ભક્તિ ન કરે તે અનુપમ ધર્મની આરાધનાથી વંચિત રહે છે.
સભાઃ “સાહેબ ! સાધર્મિક વાત્સલ્યનો અભાવ છે.”
સાધર્મિકપણાનો પણ અભાવ છે ને ! સાધર્મિકપણે કેળવો એટલે વાત્સલ્ય આપોઆપ ઊભરાશે. પાપાનુબંધી પુણ્યના પ્રતાપે બનેલા શ્રીમાનો, લક્ષ્મીના લોભી છે અને પાપાનુબંધી પાપના યોગે દરિદ્રી બનેલાઓ, લક્ષ્મીના અર્થી છે;. બેયમાં આ ખામી છે. શાસ્ત્રકારો કહે છે કે, શ્રીમાનો જો લક્ષ્મીની ગુલામી મૂકી દે અને દરિદ્રી જો એનું અર્થપણું મૂકી દે તો તરત બધુંય ઠેકાણે પડે. આજે મોટે ભાગે બેમાંથી એક પણ પ્રશંસાપાત્ર નથી; એકેનાં વખાણ થાય કે ગુણ ગવાય તેમ નથી. ઉભયમાં યોગ્યતા આવે તો આજે પણ બધુંયે છે; માટે આ દુઃખી છે એટલો જ માત્ર વિચાર કરી ઉન્માર્ગે દોરાઈ જવા જેવી વિચારણાઓને હૃદયમાં સ્થાન આપવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી. દુઃખનું નિદાન એવું કરો કે જેથી રિબાવું ન પડે. ઘરબાર, કુટુંબ, લક્ષ્મી વગેરેના અભાવમાં મિથ્યાદૃષ્ટિ તો દુઃખ માને પણ શ્રાવકોય માને ? અજ્ઞાનો જેને દુઃખ માને છે, તે દુઃખ માનવામનાવવામાં સાધુ ભેગા કેમ ભળે ? દરદીનો સન્નિપાત વૈદ્યને ઓછો જ થાય ?
સન્નિપાતના દરદીને તો વૈદ્ય દોરડે બાંધવાનું પણ કહે. સંબંધીઓ બાંધવાની ના કહે તો પણ વૈદ્ય તો કહી દે કે, “ઊઠશે, માથું ભટકાશે અને દરદી રિબાઈને મરશે, દોરડે બાંધવાથી ભટકાવું વગેરે નહિ બને અને એથી પડ્યો પડ્યો ભલે ધ્રુજે પણ વધારે રિબાશે નહિ.” એ જ રીતે આ પણ સાચા ચિકિત્સકો કહી દે કે, “લક્ષ્મી ન મળે, સુખ ન મળે તો સંતોષ પકડવો, માનવું કે ભાગ્ય નથી અને વધુમાં વિચારવું કે મળવાથી ફાયદો પણ શું છે ?' આ વિચારથી આત્માને અપૂર્વ શાંતિ થાય છે અને સાચું જૈનત્વ ખીલી ઊઠે છે, પણ આ વિચારો આજે પસંદ જ શાના પડે ? આજે તો આવક થોડી અને ખરચા ઘણા પછી સુખ મળે જ શાનું ? સાધન ન હોય તો ખરચા ઓછા કરવા જોઈએ અને સાચા સંયમી બનવું જોઈએ. પાન, બીડી, સિગારેટ, હોટલ, ચાહ, નાટક,