________________
984
૪૧૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
અમારો તેમને જવાબ છે કે-અમે ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો આહાર-પાણી લેવા છતાં અને તમારાં આલીશાન મકાનોમાં રહેવા છતાં નિષ્પાપ રહી શકીએ છીએ. અમારે મુનિજીવન ટકાવવું હોય તો સંસારની એકેએક ક્રિયાને પાપ તરીકે ઓળખાવવાનો અમને હક્ક છે. એ હક્ક જો અમે ગુમાવીએ તો સમજી લેવું કે મુનિપણાને અમે ઓળખી શક્યા નથી. વળી બીજી વાત એ છે કે, દરેકમાં સામાને સમજાવવાની શક્તિ ન હોય પણ-પોતે છોડ્યું એમાં પાપ હતું એ તો દરેક સમજી શકે ને ?
બધા જ દીક્ષા લઈ લે તો ?
પોતાની પાસે આવના૨ને સંસાર છોડવા યોગ્ય કહે ત્યાં સુધી તો મુનિ મુનિ તરીકે રહી શકે, પણ જે મુનિ એમ કહે કે-“ભાઈ, સાંભળ. સંસાર છોડવા જેવો છે એ ઠીક છે, પણ પછી બધા જ છોડવાની ઘેલછા ક૨વા લાગશે તો અમારું શું થશે ? માટે સંસાર છોડવાની વાત સાચી, પણ તે બધાને માટે નહિ.” તો પરિણામ શું આવે ? એક મોટા મહાત્માને એક જણ પૂછવા આવ્યો કે ‘આપના ઉપદેશથી ગામ, નગર કે દેશ આખો ત્યાગી થાય અને બધા ઓઘા લઈ સાધુ થઈ જશે તો તમને રોટલા કોણ વહોરાવશે ?' મહાત્માએ જવાબમાં કહ્યું કે-“ગાંડા ભાઈ ! જે દી'એવું થશે એ દી' ઝાડનાં તમામ પત્તાંની રોટલી બની જશે, જમીનની તમામ રેતી સાકર બની જશે અને સરોવરનું પાણી ઘી બની જશે. એટલે રોટલી ઘીમાં ઝબોળી ઝબોળીને સાકર સાથે ખાશું, સમજ્યો ?” પેલો કહે-“એ તો કદી બનતું હશે ?” મહાત્માએ કહ્યું-“તો મૂરખા, આ પણ કદી બનતું હશે ?”
“આજ પૂર્વે અનંતા તીર્થંકરો થઈ ગયા, તેમની દેશનામાં પુષ્કરાવર્ત્ત મેઘની જેમ ત્યાગ વરસતો હતો. કેઈ ભવ્યાત્માઓ એમાં ઝીલી નિર્મળ થતા હતા. તે છતાં એવી દેશનાથી પણ આખી દુનિયા સાધુ ન બની તો અમારી દેશનાથી આખી દુનિયા સાધુ થઈ જશે ? તને આવી શંકા પણ કેમ થાય છે ?” વાત પણ ખરી છે. જો દી' ઊગ્યે પાંચ-પચીસ સાધુ થતા હોત ને આ શંકા કરી હોત તોયે વાત જુદી હતી, પણ વરસે દહાડે માંડ પાંચ-પંદર નીકળે તેમાં પણ આવી શંકા ? બાર મહિને પાંચસો-હજાર મરે, બસો-પાંચસો રાંડે, પાંચ-પચાસ પેઢીઓ ઊઠે, પાંચપચાસ ઠેકાણે લહાય લાગે, એ બધાની આ કમનસીબોને ફીકર ન જાગી અને પાંચ-પંદર સાધુ થાય તેની ચિંતા થઈ પડી ! આ કેવી વિચિત્રતા ?