________________
૩૫૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – પણ સેનાએ હથિયાર ન ઊંચક્યાં. મહાવતને પૂછયું કે આમ કેમ ? મહાવત કહે મહારાજ ! આખું સૈન્ય ફૂટી ગયું છે. આપનું કોઈ નથી-ત્યારે મહાવતને પૂછ્યું કે તું કેમ છો ? મહાવત કહે-“મહારાજ ! હું અને આ હાથી, બે જ આપને વફાદાર છીએ-સારું થયું કે આજે આપ પટ્ટહસ્તી પર નથી. બાકી એ પણ આપનો નથી.-કુમારપાળ કહે-“વાંધો નહિ. તું તો બરાબર છે ને ? તો ચલાવ હાથી આગળ-” મહાવતે હાથીને ચલાવ્યો, વીજળીવેગે. ધસી સામા રાજાના હાથી પર છલાંગ મારી કુમારપાળ ચડી ગયા અને તેને નીચે પટક્યો. દુશ્મન સૈન્ય એ જોઈ ગભરાટમાં પડી નાસવા માંડ્યું-કુમારપાળનું સૈન્ય આ જોઈ ડઘાઈ ગયું-દુશ્મન રાજાએ માફી માગી, પગમાં પડ્યો. પછી તો બન્ને સૈન્યોએ કુમારપાળની જય બોલાવી. વિજય મેળવી કુમારપાળ પાછા ફર્યા. પરંતુ તે વખતે કે ત્યાર પછી કદી એક પણ સામંત કે મંત્રીને ફૂટી ગયા સંબંધી એક અક્ષર કહ્યો નથી; અને એક પણ સામંત કે મંત્રીએ તે પછી મરતાં સુધી કુમારપાળ સામે માથું ઊંચક્યું નથી. '
શ્રી કુમારપાળ સમજતા હતા કે ક્ષુદ્ર મનોવૃત્તિ હોય ત્યાં આ હાલત હોયક્ષુદ્ર મનોવૃત્તિવાળાનાં પારખાં ન હોય. આથી જ કુમારપાળને શ્રી જૈનશાસનના પ્રભાવક અને આગેવાન માન્યા છે. રાજા છતાં ધર્મરક્ષાના કાર્યમાં એમણે કદી જાનની પરવા કરી નથી.
નાયક તે કહેવાય, ધર્મી તે કહેવાય કે જે-ધર્મના વિષયમાં જ્યારે આખી દુનિયા કરવા યોગ્ય કામને માટે પણ એમ કહે કે “આ કેમ થાય ?” ત્યારે એ કહે કે-“આ કેમ ન થાય ? ધર્મ ખાતર અશક્યને પણ એ શક્ય બનાવે. લક્ષ્મીવાનને સ્વાર્થીઓ શેઠ કહે, ગરીબને તેની સ્ત્રી શેઠ કહે પણ જગતનો સાચો શેઠ તે કે જે જગતને પાળે, ધર્મનો આગેવાન ધર્મમાં ઊભી થતી એકેએક ગૂંચને ઉકેલે અને એ માટે જે કાંઈ ભોગ આપવો પડે તે આપે. કારણ કે એનું હૈયું સદાયે સંવેગથી રંગાયેલું હોય. સંસારનાં તમામ સુખોને એ દુ:ખરૂપ માનતો હોય. ધર્મ માટે એવાં સુખોને છોડવામાં એને જરાયે દુ:ખ ન હોય. સંસારના સુખને દુ:ખરૂપ માનતો હોવાથી તે એક મોક્ષની જ અભિલાષાવાળો હોય અને એ માટે બધો જ ભોગ આપવા તૈયાર હોય.
મેરૂ જેવા શ્રી સંઘની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમય પીઠમાં રૂઢતા લાવવા માટેનું વર્ણન ચાલે છે. એ પીઠને દઢ બનાવવા માટે શંકાદિ પાંચેય દોષો તજવા જોઈએ. રૂઢતા માટે કહી ગયા કે પ્રતિસમય વિશુદ્ધ બનતી પરિણામની ધારામાં આત્મા રમે.