________________
906
૩૩૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
યોગ્યને બધું કહેવાય. જેને વધુ કહેવાય એ તો વધારે ખુશ થાય. જૈનશાસનની રીતિ એવી છે કે જેને વધુ કહેવાય એ તો પોતાને લાયક માને.
ડાહ્યો દીકરો તો બાપાજી કામ બતાવે તેથી ખુશ થાય પણ ‘આટલા નોકર છતાં મને કામ કેમ બતાવે છે ?’ એમ ન કહે. એ જાણે કે મારા વિના થાય એવું નહિ હોય માટે જ બાપાજી મને બતાવે છે. નોકરને કહેવાનું એ ન કહે-એ રીતે આચાર્ય તથા ગુરુ જેને વધુ આજ્ઞા કરે તે શિષ્ય વધુ ખુશ થાય-એને ચોવીસે કલાક એ જ ભાવના હોય કે ક્યારે ગુરુ આજ્ઞા કરે એ આજ્ઞા કરતાં ગુરુને કે આચાર્યને વિચાર કરવો પડે તો લાયકાતમાં ખામી મનાતી.
ભગવાન મહાવીરદેવ વાતવાતમાં ગૌતમ મહારાજાને આજ્ઞા કરતા હતાશાથી ? યોગ્યતા હતી માટે. આજે તો શું કહે ? ‘બસ ! મને જ જોયો છે ? મને જ વારંવાર કહેવાનું ?' શાસ્ત્ર કહે છે કે આવું બોલનારનું ભાગ્ય ફૂટ્યું સમજવું-આટલા બધામાં પોતાને કહેવાય એ તો પોતાને ભાગ્યશાળી માને. અયોગ્યને કે અપાત્રને કહેવાય ? આમ કહીએ તો કહેશે કે-‘મહારાજ ઠગવા માગે છે.’ પૂર્વે પણ અગત્યનાં કામ તો અમુકને જ કહેવાતાં હતાં.
આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, કુમારપાળ રાજાની બધી ચિંતા કરતા, છતાં કુમારપાળ તો એમ જ કહેતા કે એમને તો અનેક પણ મારે તો એ એક જ-વાતવાતમાં ‘અમને જ કેમ !’ એ ભાવના હોય ત્યાં સુધી ધર્મ પરિણમ્યો નથી.
મળેલ વસ્તુનો ઉપયોગ કરી જાણો !
તમે સંવેગના માલિક ખરા ને ? મળેલી સામગ્રીને ગુમાવો નહિ. આળપંપાળમાં પડ્યા તો આંખ મીંચાઈ જશે અને પરિણામે રોવું પડશે. મળેલી વસ્તુઓ પારકી છે એ નથી જાણતા ? પુણ્યયોગે પારકી વસ્તુના માલિક થયા છો તો તેનો સદુપયોગ કરી લો-પારકી પાસે આવીને બેઠી તો કામ કરાવી લો-રીસાણા પછી કાંઈ કામમાં નહિ આવે. પુણ્યે પોતાની થઈ છે તો ડાહ્યા થઈને કામ કઢાવી લો. પોતાના રીસાણાં મનાવાશે, પારકાં નહિ મનાવાય. શરીરની ગમે તેટલી સેવા કરો પણ રીસાણું એટલે ખલાસ ! જવાબ જ નહિ આપે. હાલશે નહિ અને ઊઠવા પણ દેશે નહિ. કૌવત છે ત્યાં સુધી સાધી લો. લક્ષ્મી, સ્ત્રી અને જમીન એ ત્રણે પારકી વસ્તુઓ છે. ત્રણે રિસાયા પછી માથું કૂટો તોયે કાંઈ ન વળે. પુણ્યયોગે એની માલિકી મળી તો માલિક ન બની શક્યા એવા કંઈક શ્રીમાન કંગાલ બની ગયા, જમીનદારો ભીખ માગતા થઈ ગયા. પુણ્ય હોય ત્યાં સુધી લક્ષ્મી વધે, સ્ત્રી અનુકૂળ મળે, જમીન ફળે અને વધે; પુણ્ય પરવાર્યું કે બધું ખલાસ.