________________
899 – ૨૩ : વિવેકદષ્ટિની અનિવાર્યતા ! - 63 - ૩૨૯ દુ:ખરૂપ માને છે. સમ્યગ્દષ્ટિ આત્માનો ભેદ અહીં જ પડે છે કે એ સંસારના સુખને પણ દુ:ખ માને છે.
સુખ માટેની જગતના જીવોની દૃષ્ટિમાં અને સમકિતીની દૃષ્ટિમાં બહુ ફરક હોય છે. જગતના જીવોની દૃષ્ટિએ તો ભૂખ્યાને અનાજ, તરસ્યાને પાણી, ઠંડીમાં ગરમ સાધનો અને ગરમીમાં ઠંડકનાં સાધનો મળે એમાં જ સુખ મળી ગયું એમ લાગે છે. જ્યારે સમ્યગ્દષ્ટિ તો ખાવું પડે એને જ ઉપાધિ માને છે. ભૂખ લાગે ત્યારે ખાય બંને, પણ સ્થિતિ બંનેયની જુદી-પેલો ખાવાનું મળે એમાં આનંદ માને જ્યારે સમ્યગ્દષ્ટિ ખાવું પડે એને ઉપાધિ માને અને ખાવાનું ક્યારે છૂટે એની ચિંતામાં હોય.
દુઃખને દુખ માનવું એમાં નવીનતા શી છે ? નારકી પણ દુ:ખને દુ:ખ માને છે. દેવો પણ શોકાદિ પ્રસંગોને દુ:ખ માને છે. તિર્યંચને પણ હાથ ફેરવો તો રાજી થાય અને પરોણાના ગોદા મારો તો દુઃખી થાય. મનુષ્યમાં પણ એમ જ. પણ સમ્યગ્દષ્ટિ તો સુખને પણ દુ:ખ માને એ વિશિષ્ટતા છે. સુધાવેદનીયને દૂર કરવાનું સાધન ભોજન એમ સમ્યગ્દષ્ટિ માને, પણ ભોજનથી ભૂખ શમે જ એમ ન માને-ઔષધ એ ઉપાય ખરો પણ આયુષ્ય હોય તેના માટે. આયુષ્ય તૂટે એને ઔષધ કાંઈ કામ ન લાગે. ભોજન એ ભૂખનું ઔષધ ખરું પણ સાથે શાતાવેદનીયનો ઉદય હોય તો ! નહિ તો ખાધા પછી નવી ઉપાધિ જાગે. નારકીને ગમે તેટલું ખવાઈ જાય છતાં તેની ભૂખ શમતી જ નથી પણ વધે છે. દેવતાને વખતોવખત ભૂખ લાગતી જ નથી. કદી લાગે તો ઇચ્છા માત્રથી શમે છે. માટે એ સુખી છે. આ બધું વિચારતાં ભોજનથી ભૂખ મટે જ છે એવું ક્યાં રહ્યું ? સિદ્ધ ભગવાનના આત્માને ભૂખ લાગતી જ નથી. ટૂંકમાં ભોજન એ ભૂખના દુ:ખના નાશનો ઉપાય છે એવું એકાંતે નથી-તમને થોડું ખાવાથી ભૂખ મટે છે એ પુણ્યવાન છો માટે. જેને ભસ્મક રોગ થયો હોય તેને ગમે તેટલું ખાવા આપો તોયે ભૂખ્યો જ રહે છે. સમ્યગ્દષ્ટિ આત્મા સુધાવેદનીયના શમનાર્થે જરૂર પડે તો ભોજન સ્વીકારે ભલે, પણ એને આંશિક ઉપચાર માને. પણ ભૂખના રોગને મૂળથી નાશ કરનાર ન માને-ગૂમડા પર પટ્ટી મારો તો. ઉપર ઉપરથી રૂઝાય પણ અંદરનો વિકાર ન જાય. રોજ ખાય ને રોજ ભૂખ લાગે એ વાસ્તવિક ઔષધ કહેવાય ? વાસ્તવિક ઔષધ તો તે કહેવાય કે જે લીધા પછી રોગ જાય અને ગયા પછી ફરી ક્યારેય આવે જ નહિ, આ તો અગિયાર વાગે ખાય ને પાંચ વાગે ફરી ભૂખ્યો થાય. પાંચ વાગે ખાય ને પાછો રાત્રે દશ વાગે ભૂખ્યો; આ કઈ જાતનું ઔષધ ?