________________
૩૨૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
નહિ. વસુ વિનાનો નર પશુ છે. અમે સાધુ, માટે અમારે પૈસા ન હોય, પણ તમારે એના વિના કેમ ચાલે ? અમારે પણ નિભાવ તો તમારા પર છે ને ?” શાસ્ત્રો વાંચવાનું આ પરિણામ ? આવું એક બે કે ચાર આઠ દિવસ વાંચે એટલે ચાલ્યું. એ એના શ્રાવક અને એ એના ગુરુ, બેય પંચમ કાળના કલ્પતરુ અને સમયના જાણ ! માટે સમજો કે વ્યાખ્યાન વાહવાહ માટે નથી.. ઉપેક્ષાનું પરિણામ
કેટલાક કહે છે કે-“આવું કરવું કહેવાય ?' પણ જો કરવું કહેવાનું ન હોત તો વ્યાખ્યાનની જરૂર શી ? જે કરો છો તે જ કહેવાનું હોય તો પિષ્ટપેષણની જરૂર શી ? કરી રહ્યા છો, તે જ કહેવાનું કે નથી કરતા તે ? ઘરબાર, સ્ત્રી પરિવાર, પૈસાટકા માટે તો મહેનત ચાલુ જ છે. આજે તો વળી વિધવાઓને ઠેકાણે પાડવાની પણ વાત ચલાવે છે. પણ એક વિધવાએ ભરસભામાં કહ્યું કે“પંદર વર્ષથી વૈધવ્ય પાળું છું પણ મને વૈધવ્ય જણાયું નથી. વિષય કષાયનો ત્યાગ જાળવી શકું છું. કદી કોઈ વિધવા અપવાદે ખરાબ બની તે માટે વિધવા માત્રને શા માટે વગોવો છો ? તમારી દૃષ્ટિ જ રાગી બની ગઈ જણાય છે !”
આજની ભાવનાઓ અને વિચારો એવા ઉદ્દામ બન્યા છે જે ભૂત અને ભવિષ્યને ભુલાવે છે. એ ભુલાયું કે નાસ્તિકતા આવી. કેવળ વર્તમાનના દૃષ્ટા સાથે શ્રી જૈનશાસનને મેળ નથી ભૂત ભૂલે ભવિષ્ય અવગણે અને કેવળ વર્તમાનમાં રચ્યાપચ્યા રહે એ બહિરાત્મા છે.'
કેટલાંક વર્ષ પહેલાં એક સાધુએ રેલવિહાર કર્યો. ત્યારે અન્ય સાધુઓએ અવાજ ઉઠાવ્યો હતો. પણ બેદરકારી થઈ અને ઉપેક્ષા સેવાઈ. આજે વાત વધી. રેલ પછી હવે સ્ટીમર આવી. સેંકડો જૈનો સમક્ષ રેલવિહાર કરનાર મુનિએ ખુલ્લું કહ્યું કે-“પારકાના ભલા માટે રેલ વિહાર કરું છું.' એક ભાઈ સમજાવે છે કે બળદ, ઘોડા વગેરે જોડાય એ વાહનમાં પાપ, પણ રેલ કે મોટરમાં પાપ નથી, કારણ કે ત્યાં કોઈ જીવ મરતા નથી. આજે જે ત્યાં બોલાયું તે જતા દિવસે મુંબઈના ચોગાનમાં બોલાશે. એક બે પાંચ દશ ભેગા થયા એટલે પ્રવાહ ચાલશે. પછી વાહનમાં નહિ બેસનારા પુરાણપાઠી અને એમનો જ કક્કો ઘંટનારા કહેવાશે.
આવા કોઈ ફંદામાં તમે ન ફસાઓ માટે આટલી ચેતવણી આપું છું. દઢ સમ્યક્તને રૂઢ બનાવવા માટે હજી પણ શું કરવું જોઈએ તે હવે પછી.