________________
857 – ૨૦ઃ અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60 – ૨૮૭ પડે કે મરી જાય એવો. જિવાડો તો જીવ, મારો તો મરે-તમે એ વૈરાગ્યને દબાવી દો તો એ વૈરાગ્ય જીવે કઈ રીતે? ત્યાં તો માબાપ, બાળકને ગોદડીમાં સુવાડે, પંપાળ, પાલન કરે અને બરાબર સાચવે. તો એ બાળકને જિવાડવાના આટલા પ્રયત્ન કરનારા વૈરાગ્યને જિવાડવાના પ્રયત્ન ન કરે એનું કારણ?
જ્યાં મોહ છે ત્યાં બધી મહેનત કરો છો ને ? એક એક છોકરા પાછળ કેટલી મહેનત ? એવાં કેટલાં છોકરાં ? શરીરની સાચવણી માટે, પૈસા માટે, રોગથી બચવા માટે કેટલા પ્રયત્ન ? એ બધા માટે બધું કરાય અને આત્મા માટે કાંઈ નહિ ? આત્માના નાના ગુણને પણ કેમ ન પંપાળવો ? જો તમે જૈન હો, ધર્મી હો તો નવા વૈરાગ્યની ટીકા-ટિપ્પણ ન કરતા. વૈરાગ્યને ખતમ કરવો હોય તો વાત જુદી. શરૂઆતનો વૈરાગ્ય એવો જ હોય. શરૂઆતના સાધુને કોઈ પૂછે કે “દીક્ષા કેમ લીધી ?' તો બાળસાધુ હોય તો કહે કે “ગુરુએ દીધી તેમ લીધી–પેલો કહેશે “એમ ન લેવાય.તો આ કહી દે કે “તું ન લઈશ.”
અમે આજે બોલીએ ચાલીએ છીએ તે દીક્ષા લીધી ત્યારે તો કાંઈ આવડતું ન હતું. એવા અમને ગુરુએ સંઘર્યા ન હોત તો આજે આ દશાએ પહોંચ્યા હોત ? ગુરુએ કહ્યું હોત કે “મૂર્ખ ! બધું શીખીને પછી આવ ! તો અમારી આજે કઈ હાલત હોત ? તમારાથી પણ હીન દશામાં હોત. જેમ નાના બાળકને પંપાળે તેમ ગુરુએ અમને રાખ્યા તો આ દશામાં અહીં બેઠા છીએ. વૈરાગ્યના પરીક્ષકની દાનત કેવી હોવી જોઈએ ?
નાના સાધુને “વૈરાગ્ય કેમ આવ્યો ? સંસાર કેમ ખોટો લાગ્યો ? શું સમજ્યો ?' એવું એવું ન પુછાય-પૂછો તો કહે કે-“મને ભગવાનના વચનમાં શ્રદ્ધા છે, ભગવાને સંસારને ખોટો કહ્યો છે'-એના વર્તનથી જ સમજાઈ જાય. અત્યારે અહીં તમારા કાકા આવે અને મારા કાકા આવે તો ફેર ન પડે ? તમે ઊભા થઈ સામે લેવા જાઓ અને હું ધર્મલાભ કહી બેસી રહું. શરૂઆતના વૈરાગ્યની કસોટી મળે ? ખાણમાંથી નીકળેલા સોનાને કસોટીએ ચડાવો તો ટચ આવે કે માટી ? કેટલી મહેનત થાય, કેટલા પુટપાક અપાય ત્યારે એ સો ટચનું થાય ? વૈરાગ્યને પણ પોષાય-પછી લાંબે ગાળે, કસોટી કરવી હોય તો થાય. તમને કોઈ કહે કે “સંસાર નથી ગમતો.” તો કહેજો કે “બહુ સારી વાત. સંસાર એવો જ છે, ભયંકર છે, તમે બહુ પુણ્યવાન છો વગેરે.' પણ બીજું આડુતેડું કાંઈ ન બોલતા.
પ્રશ્નો પણ કેળવ્યા પછી થાય. પહેલાં ન થાય. બાળકની પરીક્ષા પણ બાર મહિના અભ્યાસ કરાવ્યા પછી લેવાય છે. ભણવા બેઠો ને તરત ન લેવાય.