________________
823
૧૯ : ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : -
59
૨૫૩
સભા: માનનારા માને છે.’
આ સમષ્ટિની વાત છે ? કોઈ માનતા હોય તેને નિષેધ નથી. આજે તો નથી સમજણ અનુમોદનાની કે, નથી વિવેક પ્રશંસાનો. નથી જળવાતી પ્રમોદ ભાવના કે, નથી બચાતું દૂષણોથી. સમ્યગ્દષ્ટિ કોઈના ગુણ જોઈને રાજી થાય પણ અયોગ્યની પ્રશંસા તો એ કદી ન કરે. આ મુદ્દો જાળવવા બધો પ્રયત્ન છે. એ ન જળવાય તો સમ્યક્ત્વની દૃઢતા નહિ રહે; પછી રૂઢતા આદિની તો વાત જ શી ? આજે તો ગુણાનુરાગના નામે સમ્યક્ત્વ પર ઘા થાય છે. બધા ગુણની અનુમોદના જરૂ૨ થાય, પણ એ હૈયામાં થાય. પ્રશંસા કરવી એટલે બહાર બોલવું, ત્યાં થોભવું પડે, વિચારવું પડે. પ્રશંસા કોની થાય ? શાસ્ત્ર કહે છે કે શ્રી વીતરાગદેવની, નિગ્રંથ ગુરુઓની અને એમના કહેલા માર્ગે ચાલનાર ધર્મીજનોની; એ સિવાય બીજાની ન થાય.
સભા : ‘બીજા બધાને કાઢી નાખ્યા ?’
એ તો ગયેલા જ છે ને ? કાઢવાની જરૂર જ ક્યાં છે ? શ્રી વીતરાગ એટલે રાગ-દ્વેષરહિત અને તે જ દેવ, એમના માર્ગે ચાલના૨ નિગ્રંથો અને એમને માની એ માર્ગે ચાલનારા ધર્મીઓની પ્રશંસા થાય.
સભા : આ પક્ષપાત નથી ?’
પક્ષપાત ખરો પણ કોનો ? શ્રી વીતરાગ પરમાત્માનો - એ પક્ષપાત તો જરૂર હોય. જેને શ્રી વીતરાગ પરમાત્માનો પક્ષપાત નથી તે સમજુ નથી. પક્ષપાત એ દોષ છે પણ કોનો ? રાગીનો કે દ્વેષીનો ? સત્યનો પક્ષપાત તો દેવતા પણ કરે છે. અસત્યનો પક્ષ પછી તે સગા બાપનો હોય તો પણ ન કરાય અને પક્ષે દુશ્મન હોય તો પણ એનો પક્ષ કરાય. અનુમોદના બધાની થાય પણ પ્રશંસા તો સુદેવ, સુગુરુ, સુધર્મ અને સુધર્મીની જ થાય. ગુણ પ્રાપ્ત કરવાની ભાવનાવાળા માટે અનુમોદના છે. જેને એવી ભાવના ન હોય તેની અનુમોદના પણ સાચી નથી.
આજે જેની તેની પ્રશંસા કેમ થાય છે ? પ્રસિદ્ધિમાં આવવા માટે. જે પ્રસિદ્ધિમાં આવ્યો હોય તેની પ્રશંસા કરવાથી પોતાનું પણ કામ થઈ જાય. ગુણદૃષ્ટિએ પ્રશંસાભાવ આવે તો આખી ભાવના ફરી જાય. આજે પ્રશંસાની રીત વિલક્ષણ છે. હજાર માણસ બેઠા હોય ત્યારે જુએ કે બધા કઈ બાજુ ઢળેલા છે અને કોની ‘જય’ બોલાવવાથી તાળીઓ પડે તેમ છે, ત્યાં જેમનું પલ્લું નમે તે તરફ એ બેસે.