________________
71 ––– - ૧૬ : સાધર્મિક ભક્તિ - 56 -
૨૨૧ મળેલી લક્ષ્મીની મૂચ્છ ઉતારવા માટે દાન છે પણ લોભ વધારવા માટે દાન નથી. કોઈ સંઘ કાઢી પચીસ હજાર ખર્ચી નાખે પણ પછી કહે કે “હવે બે મહિના ધંધો બરાબર ખેડવો પડશે. કસર કાઢવી પડશે” તો તેને કહેવું પડે કે- ભાઈ તને સંઘ કાઢવા કોણે બાંધી માર્યો હતો ? સંઘ કાઢવો વગેરે ધર્મનાં કામ કરવા માટે પૈસા કમાવાની છૂટ હોય તો બધા એ જ પ્રયત્ન કરે. વળી પ્રયત્ન બધા કરે પણ સંઘ કાઢે કેટલા ? લક્ષાધિપતિ થવું સહેલું છે પણ ધર્મ કરવો મુશ્કેલ છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે પૈસા હોય તો ધર્મ કરો પણ ધર્મ માટે પૈસા કમાવા ન જાઓ. પાણી હોય તેથી વાપરવા માટે કાદવમાં હાથ ઘાલવો એમ કરવું એ ડહાપણ નથી. કાદવ એવો પણ હોય છે કે જેને અડવાથી હાથમાં સડો થાય. ધર્મ માટે પૈસા કમાવાની ઇચ્છા એ સડો કરે એવા પાપરૂપ કાદવમાં હાથ નાખવા જેવી ચેષ્ટા છે. ઘરમાં લગન હોય પણ પેટમાં રોગ હોય તો ?
ડબામાં પડેલું મિષ્ટાન્ન નાખી દેવું ન પડે તેથી ભૂખ વગર કાંઈ પેટમાં ન પધરાવાય ! ભૂખ વગર ખાય તે ડાહ્યો કે ગાંડો ? ખાય ને પેટમાં દુખે તો વૈદ્ય પણ કહે કે તેં હાથે કરીને દુખાવાને આમંત્રણ આપ્યું છે. ફેંકી દીધું હોત તો ડાહ્યો કહેવાત, કોઈને આપ્યું હોત તો ઉદાર કહેવાત પણ ચાર દિવસ પછી બગડી જશે અમે વિચારી વગર ભૂખે ખાઈ જનારો બેવકૂફ કહેવાય. વગર ભૂખે પેટમાં નાખેલું.પચાવતાં દહાડા જાય અને તેમ છતાં ન પચે તો રોગ ઘર કરી જાય, આજે શ્રીમાનો મોટે ભાગે માંદા કેમ રહે છે ? ઘરમાં માલપાણી ભર્યા પડ્યાં હોય, જોઈને મન લલચાઈ જાય, વગર ભૂખે ખાય અને માંદા થાય. ઘેર લગ્ન હોય, પકવાનના તાટ ગોઠવાયા હોય પણ પથારીમાં પડેલો ખાય તો ડાહ્યો કે મૂર્ખ ? ઘરમાં લગ્ન છે પણ પેટમાં શું છે, એ તો એણે વિચારવું જોઈએ ને ? પૈસા કમાવાથી ધર્મ થાય એવું ન માનતા. પૈસા આવ્યા પછી તો ધર્મ ચાર ગાઉ છેટે જવાનો. સોના પાંચસો મળતા થાય એટલે પરિગ્રહ વધે, પાપ વધે, પોઝીશન વધે, બધું વધે ને ધર્મ ઘટે.
માટે શાસ્ત્ર કહે છે કે પાસે હોય તો દાન કરો, સામગ્રી હોય તો પૂજન કરો પણ એના માટે કમાવાનો વિચાર ન કરો. મંદિરે ફળ ચઢાવવા કે શ્રી સિદ્ધગિરિ પર ફૂલ ચઢાવવા રૂપિયો મેળવવા અનીતિ ન કરાય. રૂપિયા માટે અનીતિ કરનારો પછી પાંચ માટે અનીતિ કરશે. અનીતિની એને ટેવ પડી જશે. ધર્મ ધર્મને ત્યાં રહેશે, ફૂલ માળીને ત્યાં રહેશે, આત્મા ઊંધે રસ્તે ચડી જશે અને ધીરે ધીરે સડવા લાગશે.