________________
૨૨૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
790 છે તો છોડવા જેવા પણ છોડી ન શકો અગર એને મેળવ્યા વિના રહી ન શકો તો અનીતિથી તો ન જ મેળવો !”
તમારી વ્યવહાર પરિષદ હોય તો વાત જુદી પણ ધર્મ પરિષદમાં તો આડીઅવળી એક પણ વાત ન થાય. જો એમ થાય તો તો વ્યવહાર એ જ ધર્મ મનાય. જો વ્યવહારને જ ધર્મ માનશો તો આખો સંઘ મિથ્યાદૃષ્ટિ ઠરશે. વેપારને ધર્મ કહે તે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ ? એવું માનનારમાં સંઘપણું ક્યાં રહ્યું ? એવાઓનો કાયદો ધર્મીને બંધનરૂપ ન રહે. જેને પોતાની ફરજનું ભાન ન હોય એ બીજાને શું ભાન કરાવે ? “શ્રાવકો આટલો વેપાર કરે” એવી વાતો સાધુ સંમેલનમાં થાય ? જ્યાં પોતાનું ભૂંડું ત્યાં બીજાનું ભલું કંઈ રીતે ? જે સ્થિતિ છે, તેને તે સ્વરૂપે ઓળખતાં શીખો ! જૈન તરીકે ભેગા થયા હો, તો જૈનત્વયુક્ત વિચારો કરો ! બીજા વિચારો કરવા હોય તો શબ્દ ફેરવી નાખો ! જૈન જ્ઞાતિ તરીકેનું સંમેલન જાહેર કરો. સંઘ ભેગો થાય એ શું વિચારે ? “ભગવાનની પૂજા વિધિપૂર્વક થાય છે કે નહિ ? જૈન સિદ્ધાંતોનો પ્રચાર કેમ થાય ? ધર્મી કેટલા છે ? ધર્મીઓને ધર્મ કરવામાં શી તકલીફો છે ? એ તકલીફો કઈ રીતે દૂર થાય ?” વગેરે વગેરે. સંઘ તો આવા બધા વિચારો કરે.
સંસ્થાનું બંધારણ બરાબર હોવું જોઈએ અને તે બંધારણને વફાદાર રહી સંસ્થાએ વર્તવું જોઈએ. એથી બીજાઓ પણ જાણી શકે કે આ શ્રાવકો ભેગા થયા છે કે આ વેપારીઓ ભેગા થયા છે. વેપારી ભેગા થયા હોય તો એ વેપારની વાત કરે તે વાજબી, પણ શ્રાવકો ભેગા થઈ આડીઅવળી વાતો કરે તો બીજાઓ ઉપર પણ કેવી છાપ પડે ? તમારા સ્નેહીને વેપારની સલાહ પૂછો તો એ વાજબી પણ મને પૂછો કે-“મહારાજ ! હું કાપડીઓ બનું કે ઝવેરી બનું ? કે પછી ગાંધી બનું ?” તો હું શું કહું ? હું તો ઓઘો બતાવું અને કહ્યું કે-કાં તો સર્વવિરતિ, એ ન બનાય તો દેશવિરતિ, એ ન બનાય તો સમ્યગ્દષ્ટિ અને એ પણ ન બનાય તો માર્ગાનુસારી બનો. પણ કાપડીઆ વગેરે બનવાનું કહું તો ?
સભા: “તો આપ સાધુ નહિ !'
વાહ ! આવું બોલો તો તો મને ગમે. આટલી હિંમત તમારામાં આવે તો આજે વાતાવરણ ઘણું સુધરી જાય. આજે તો કહે છે કે સાધુઓ ધર્મગુરુ ખરા પણ એ અમારી સંસારની સ્થિતિની ચિંતા કેમ ન રાખે ? હું પૂછું છું કે તો એ ધર્મગુરુ શાના ? એ તો અર્થગુરુ થયા-એને ધર્મગુરુ કોણ કહે ? ધર્મ માટે ધન મેળવવાની જરૂર નથી !
શાસ્ત્ર કહે છે કે-ધર્મ કરવા માટે પૈસા મેળવવાની ઇચ્છા એ પાપ છે.