________________
765
૧૪.: શાસનની રક્ષામાં પ્રભુસેવા ! - 54 – ૧૯૫ રહ્યો છે અને એ માટે જે જે યોજનાઓ ઘડાઈ રહી છે, તે જ આ બધાના મૂળમાં છે. માટે જ તેવી વસ્તુઓને અટકાવવા સૌએ પોતપોતાની કક્ષાએ પ્રયત્નો કરવા જ પડશે.
[અહીં શ્રી ગિરધરલાલ પરસોત્તમદાસે ઊભા થઈને સર્વેને થોડા દિવસો બાદ ભરાનારી કૉન્ફરન્સમાં જવા ભારપૂર્વક જણાવ્યું હતું અને કહ્યું હતું કે-આ વખતે કૉન્ફરસના બંધારણનો પશ્ન છે. પંચાંગી માનવાનું કહેવાની આપણી વાત છે. માને તો વાંધો નથી. ન માને તો પછી આપણે તેને નૉન-જૈન કૉન્ફરન્સ માનીશું. પણ આપણે જવું તો જોઈએ જ. ગુજરાત, કાઠિયાવાડમાંથી બહુ થોડા લોકો આવશે કારણ કે અધિવેશનનું સ્થાન ઘણું દૂર છે, એક ખૂણામાં પડી ગયું છે. અત્યારે બીજાં દરેક કારણો ગૌણ કરી ત્યાં જવું જોઈએ. આ વખતે ભાડા ભથ્થાંનો કે બીજી તકલીફોનો હિસાબ ગણવાનો નથી. પ્રભુશાસનની પંચાંગીની રક્ષા માટે જવાનું છે. દેવદ્રવ્ય સામે હવે ધાડ આવવાની છે. તેની રક્ષાનો પણ સવાલ છે. કજિયો આપણે કરવો નથી. ધર્મવિરુદ્ધ કાંઈ ન થાય તે માટે જવાનું છે આપણી સાચી વાત તેઓ માનશે એમ માનીને જવું છે. તેમ છતાં ન માને, જૈનો છતાં પંચાંગી પ્રત્યે વફાદારી જાહેર ન કરે તો એ નૉન જૈન કૉન્ફરન્સ છે એમ સાબિત થશે. પછી તો એવા છે એમ માની આપણે ચાલ્યા આવવું છે. છ છ મહિનાથી આપણે વ્યાખ્યાન સાંભળીએ છીએ તેની અસર શી છે તે અત્યારે જણાય. આમાં કાંઈ બહુ મોટી વાત નથી. બંધારણનો પ્રશ્ન પહેલે દિવસે ચર્ચાવાનો છે માટે ત્યારે જે હાજરીની જરૂર છે. પછી ભલે ચાલ્યા આવો. દશમે અગાસીનો મહોત્સવ છે એ પણ કીમતી છે, તેમ આ પણ મહોત્સવ જેવો જ આજ્ઞાપાલનનો પ્રસંગ છે માટે એ જવા ન દેવાય. દરેકેદરેક ઘરના છોકરા પણ સાથે આવે. ઘરનું એક જણ અગાસીક જાય બાકી બધા આમાં આવે. બહેનો પણ જરૂર આવે કારણ કે ત્યાં મહિલા સમાજ પણ છે, એટલે જરૂર આવી શકે છે. વગેરે વગેરે બહુ અસરકારક વાતો કરી.]
- પૂજ્યશ્રી:- આવા સમયે હાજરી આપવામાં બેમત હોય જ નહિ. કેટલાક માને છે કે શાસનુપક્ષ કજિયો કરવા માગે છે પણ એવું નથી. હું ઘણીવાર કહી ગયો છું કે જે સંસ્થા જે વસ્તુ ટકાવવા માગતી હોય તે સંસ્થાએ તે વસ્તુ પ્રત્યેની વફાદારી અવશ્ય જાહેર કરવી જોઈએ. આજે સમય એવો સારો આવી લાગ્યો છે કે એ લોકો જ તમને શાસનપ્રેમી-શાસનરસિક તરીકે ઓળખાવે છે અને પોતપોતાને તેનાથી ઇતર તરીકે ઓળખાવે છે માટે હવે તમારે શાસનરસિકતા બતાવવી જ રહી. તમારે એક જ કહેવાનું છે કે-અમારે કોન્ફરન્સની સત્તા જોઈતી નથી, અમે એનો વહીવટ કરવા માગતા નથી. ગામેગામના જૈનો ભેગા થઈને જૈનોના ઉદયની કાર્યવાહી કરે તેમાં અમને આનંદ જ હોય. પણ ભગવાનનાં ભાખેલાં પિસ્તાલીસે આગમ (પંચાંગી સહિત) પ્રત્યે વફાદારી