________________
૧૪ : શાસનની રક્ષામાં પ્રભુસેવા !
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૭, મહા સુદ-૮, ગુરુવાર, તા. ૬-૨-૧૯૩૦
ધર્મની સાધના શા માટે ?
૦ શ્રી જૈનશાસન એટલે ?
♦ ધર્મની કિંમત સમજાય તો ?
• આર્ય કોણ, અનાર્ય કોણ ?
• જૈનશાસનનો ઉપદેશ શાનો ઉપદેશ આપે ?
હક્કનો હડકવા :
♦ જો હજુ પણ મૌન રહ્યા તો ?
•
કર્તવ્યનો વિવેક : ચાલો કોન્ફરન્સમાં :
54
ધર્મની સાધના શા માટે ?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણીજી શ્રી સંઘની સ્તુતિ કરતાં ફરમાવી ગયા કે જેમ મેરૂની પીઠ વજ્રરત્નમય છે અને દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે તેમ શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય પીઠ પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ અને એમ હોય તો જ એ શ્રી સંઘરૂપ મેરૂ ટકે. એ પીઠમાં જો દોષરૂપ છિદ્રો પડે તો કુમતવાસનારૂપ જળ પેસે અને પર્વત પોલો બને. પોલો બનેલો પર્વત રક્ષણહાર બનવાને બદલે સંહારક થાય.
સમ્યગ્દર્શનરૂપ પીઠને પોલી બનાવનારા દોષો પાંચ છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યામતિની પ્રશંસા અને તેનો પરિચય. એ આપણે જોઈ ગયા. આ પાંચ દોષો જ્યાં હોય ત્યાં સંઘત્વ રહી શકતું નથી. જ્યાં પાયો પોલો થાય ત્યાં પહાડ ટકે શી રીતે ? આ તો મેરૂ જેવા પહાડની સાથે સરખામણી છે ! મેરૂ એટલે લાખ યોજન ઊંચો. એ કાંઈ નાનોસૂનો નથી. ઊંચે પદે બેસવાની ભાવનાવાળો વાતવાતમાં ડોલી ઊઠે, ચળ-વિચળ થઈ જાય એ નભે નહિ. આ શાસનમાં રહેનારથી શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા થાય જ નહિ. પોતાને જે વાત ન સમજાય ત્યાં મતિમંદતાદિ કારણો માને પણ ‘આ કેમ હોઈ શકે ?’ એવી શંકા ન ઉઠાવે. તેમજ એનાથી કાંક્ષા એટલે પરમતની અભિલાષા ન થાય. દુઃખ જાય અને સુખ આવે એવી ભાવનાથી ધર્મ કરે અને દુષ્કર્મના યોગે દુઃખ