________________
753 – ૧૩ વિચારધારાને નિર્મળ બનાવો ! - 53 – – ૧૮૩
ધર્મક્રિયામાં ઘરનો નાયક પણ કહી દે કે-“શું કરીએ ? એને રૂચે તો કરે, આપણો ઉપાય નથી.” એ જ વડીલ શાળાના શિક્ષણ માટે કે દુકાનદારી માટે બરાબર કડકાઈ રાખે. જરા પણ ગફલત ચાલવા ન દે. ચાર દીકરાના બાપને પૂછીએ કે બધા પૂજા કરે છે ? તો કહેશે કે-મોટાને તો ફુરસદ જ નથી, નાનો રમતિયાળ છે, વચલા બે કદી કદી પૂજા કરવા જાય છે પણ રોજ તો એ પણ જઈ શકતા નથી. શું કરીએ ? આ તો સંસાર છે ! એમ જ ચાલ્યા કરે.” આ બધા પાછા દુનિયાદારીની વાતમાં કેવા છે ! એમ પૂછો તો કહેશે કે-મોટો પેઢી બરાબર સંભાળે છે, બીજો વકીલ બનવાનો છે, ત્રીજો મેડિકલનું કરે છે, ચોથો વળી કાંઈક બીજું, પણ એકેય નવરા નથી. બધા કામે લાગી ગયા છે. રાત્રે ખાવાનું કેટલાને બંધ ! એવું પૂછો તો કહે કે-સાહેબ.! એ ન પૂછતા. કુટુંબ મોટું, ક્યાં રોજ રોજ કજિયા કરવા બેસીએ. કોઈ કોઈવાર કહીએ છીએ પણ હવે એ તો જેને રૂચે તે કરે. જોરજુલમથી કાંઈ થોડું કરાવાય છે ? સામાયિકનું પૂછીએ તો કહેશે કે-સાહેબ, હું જ કોઈ કોઈવાર કરતો હોઉં ત્યાં એમને શું કહું ? એ જ દીકરાઓ જો ઘરના કામમાં અખાડા કરે તો સંભળાવી દે કે-આવા પથરા ક્યાંથી પાક્યા ? અમે કાંઈ તમારી ગધામજૂરી કરવા થોડા જમ્યા છીએ ? માટે ગરબડ કર્યા વિના કામે લાગી જાઓ:
આમ “વ્યાખ્યાને ફાવે તો જાય પણ દુકાને જવું જ જોઈએ, સામાયિકપ્રતિક્રમણ ફાવે તો કરે બાકી નામું તો લખવું જ જોઈએ, ચોપડા તૈયાર જોઈએ, ખતવણી બાકી ન રહે, વ્યાજ ગણતાં બરાબર આવડવું જોઈએ, માલ લેવાવેચવાની આવડત હોવી જ જોઈએ, સામાયિક લેતાં ન આવડે તો ચાલે, પ્રતિક્રમણ ન આવડે તો બીજા કરાવે અને આપણે સાંભળીએ એમાં કાંઈ વાંધો ન આવે.” આવી મનોવૃત્તિવાળાના કયા ખૂણામાં સમ્યક્ત રહે, એ વિચારણીય છે. પાપના રસિયાઓને સાધુઓ નડતરરૂપ લાગે?
જો મા-બાપ કે વાલી પોતાના સંતાનને બળાત્કારે પણ ધર્મ ન કરાવે તો કરાવે કોણ ? દવા બળાત્કારે પવાય, કડવા ઉકાળા બળાત્કારે પિવડાવાય, ડૉક્ટરને બોલાવી તીવ્ર હથિયારો બળાત્કારે શરીરમાં ખોસાવાય, જરૂર પડ્યું. આઠ દહાડા બળાત્કારે ભૂખ્યા પણ રખાય; શરીરના રોગ માટે આ બધું થાય અને આત્માના રોગ માટે જરાય દબાણપૂર્વક કાંઈ ન કરાવાય. એ તો એને મનમાં આવેં તો કરે, નહિ તો કાંઈ નહિ, આવું બધું ચાલે ?
છોકરો જૂઠું બોલતો થાય, અનીતિ કરે, અનાચાર સેવે તો એના ઉપાય માટે કોઈ ડૉક્ટર રાખ્યા છે ?