________________
745
: વિચારધારાને નિર્મળ બનાવો ! - 53
૧૭૫
નથી. પણ એ ધારાનું સેવન બહુ કઠિન છે. તમને સંસાર ગમે છે. એ ધારા સંસારને કાપવાનું કામ કરે છે. એ ધારામાં સંસારને વહેરવાની જ વાત છે. શ્રી સંઘને મેરૂ જેવો બનાવવો છે ને ? એ મેરૂની પીઠ તો એવી બળવાન હોય કે અસંખ્યાતા દેવો ત્યાં આવે તો પણ એનો એક અણુ માત્ર પણ ન હાલે.
સભા: આવો સંઘ આજે શક્ય છે ?
આજે પણ શક્ય છે અને ભવિષ્યમાં ભગવાનનું શાસન રહેશે ત્યાં સુધી પણ શક્ય છે. ભગવાનનું શાસન જશે ત્યારે જ એ નાશ પામશે. માટે તો સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકામાં સંઘ રહેશે એમ કહીને સંખ્યા ટૂંકાવી નાખી. જો એ શક્ય જ ન હોત તો શાસન રહેત ક્યાં ?
શાસન ડહોળાતામાં નથી. “ધર્મક્રિયા કરી તોયે ઠીક અને ન કરી તોયે ઠીક' -આવું માનનારામાં શાસન નથી. ધર્મક્રિયા કદી ન પણ કરે પરંતુ કરવી જ જોઈએ અને નથી થતી માટે પોતાને પામર માને-એનામાં શાસન ટકે. “ધર્મક્રિયા કરી તોયે ઠીક અને ન કરી તોયે ઠીક-આવા ઉદ્ગાર તો શું, પણ આવો વિચાર પણ જૈનશાસનવર્તી આત્માને ન આવે. “સંસારમાં રહેવામાં વાંધો શો ? એમ બોલનારામાં શાસન નથી. છુટાય નહિ એ બને પણ એમાં પોતાની પામરતા માને એનો નિતાર વહેલો મોડો નિશ્ચિત છે. સાચો શાહુકાર કોણ ?
સંયોગવશાત્ ભલે પૈસા ન આપી શકે પણ લેણદારને હાથ જોડીને પોતાની લાચારી બતાવે તે સાચો શાહુકાર છે. પણ એમ કહે કે-જા, જા, હોય તો આપીએ, ન હોય તો ક્યાંથી લાવીએ ? કાંઈ ભાગી થોડા ગયા છીએ ?' આ પ્રમાણે બોલવું એ શાહુકારીનું લક્ષણ નથી. દુર્ભાગ્યના યોગે લેણદારને ન પણ આપી શકાય, નાદારી પણ નોંધાવવી પડે, છતાં લાચારી કબૂલનારની શાહુકારીને બટ્ટો લાગતો નથી. આજે તો નાદારીની છૂટ હોઈ પોતાનું બધું અકબંધ રાખી નાદારી નોંધાવનારા પાક્યા છે. તેમના લેણદારો રૂએ છે અને તેમના પોતાના દૂધ ચોખા અકબંધ રહે છે. શાસ્ત્ર કહે છે કે એ તો શાહુકારીનો પ્રેમી પણ નથી. દુષ્કર્મના યોગે કદી નાદારી નોંધાવવાનો સમય આવે તો પહેલાં બધું રજૂ કર્યા પછી જ નાદારી નોંધાવે એ સાચો શાહુકાર કહેવાય, પણ પહેલાં બધું સ્ત્રી, છોકરાં કે ભાઈના નામે ચઢાવી પછી નાદારીમાં જાય એનામાં શાહુકારીની ભાવના ક્યાં રહી ? એમ ભલે તમારાથી સંસાર ન છૂટે પણ પામરતા તો મનાય ને ? આ બધું સંઘસ્વરૂપનું વર્ણન થાય છે. સમ્યગ્દર્શન વિવરણ તો તેની અંતર્ગત આવે એટલે એ પણ કહેવું જ પડે ને ?