________________
૧૬૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કોઈ બોલનાર ન હોય તો તેઓ નિરંકુશપણે વર્તી શકે. ગમે તેમ બોલે તોય કોઈ સામો જવાબ આપનાર ન રહે. સારો સાધુ હોય તો બસો-પાંચસોને ભેગા કરે. મંદિર અને ધર્મસ્થાનો તેમજ ધર્માનુષ્ઠાનો સામે આવતા તેમના હલ્લા અટકાવે ! નાનો સાધુ હોય તોય પાંચ-પચીસ જણા તો નવકારસીનું પચ્ચક્ખાણ લેવા પણ આવે. એ પાંચ-પચીસ પણ તેમની ધર્મવિરોધી પ્રવૃત્તિ સામે ઊભા રહે. એટલે ઉપાશ્રયમાં સાધુ હોય ત્યાં સુધી એ બધા ફાવે નહિ . નાનું બચ્ચું પણ ઊં....ઊં... કરે ત્યાં સુધી ચોરથી ઘૂસાય નહિ. એ બાળક પણ બધાને જાગતા રાખે. એમને તો ઉપાશ્રયોને, પાંજરાપોળોને અને મંદિરોને કાલેજોમાં ફેરવી નાખવા છે. જો કે પાંજરાપોળો પણ એમને બહુ ફાવતી નથી એટલે હૉસ્પિટલોની વાત કરે છે. એમને પૂજા કરવી નથી, ધર્મક્રિયાઓ જોઈતી નથી અને ધર્મસ્થાનો સાથે નિસ્બત નથી છતાં હક્ક કરવા આવે છે. કેસ ચાલે અને સારો ન્યાયાધીશ હોય તો એમનો હક્ક ઘડીના છઠ્ઠા ભાગમાં ઊંડી જાય. પણ સાચી રીતે લડનાર જોઈએ ને ?
738
સાધુને ખાનગી ટપાલ હોય ?
એ લોકો કહે છે કે-‘ગામના આગેવાનોએ સાધુની ટપાલ વાંચીને પછી આપવી.' મારે એમને પૂછવું છે કે-ટપાલ ખાનગી ગૃહસ્થની કે સાધુની ? ગૃહસ્થને ખાનગી હોય તો ભાવતાલ કે લીધાદીધાના સોદાની વાત હોય. જ્યારે સાધુની ટપાલ તો એવી ખાનગી હોય કે આચાર્ય પાસે બેઠેલા ગીતાર્થ પણ એ વાંચી ન શકે. કેટલાય આત્માઓ પોતાના જીવનની ખાનગીમાં ખાનગી વાતો લખી તેનાં પ્રાયશ્ચિત્તો મંગાવે, તરવાનો ઉપાય પુછાવે, જે વાત કોઈને ન કહે તે ગુરુને કહે. જે ગુનો ન્યાયાસન પાસે ન કબૂલ્યો હોય, ગમે તેમ કરીને છૂટી આવ્યો હોય, તે ગુનો ગુરુને કહે. આલોચના લેનાર ગૃહસ્થો બધી વાતો પુછાવે. પરદેશમાં રહેલાને વાંચતાં વાંચતાં બોધ થાય તો એ પણ પોતાની હૈયાની વાત ગુરુને જણાવે અને પૂછવા યોગ્ય પુછાવે. આ બધી વ્યક્તિગત ખાનગી વાતો હોય. એ આમને જાણવી છે. એ જાણે પછી પરિણામ શું આવે ? ‘સાધુની ટપાલ ગામના આગેવાન વાંચે પછી સાધુને આપે' આવું કહેનારા શું એમ માને છે કે-‘એ બધા શાહુકાર અને સાધુ બધા ચોર ?’ સાધુની ટપાલ ફૂટવામાં સાધુનું તો કાંઈ જવાનું નથી પણ કંઈકની આબરૂનું લિલામ થઈ જાય, કંઈકની સમાધિ નષ્ટ થઈ જાય, કંઈકને ઝેર પીવાનો વખત આવે, એ બધી જવાબદારી કોની ? માટે કહું છું કાંઈક સમજીને બોલાય તો સારું.