________________
૧૪૬ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
716 ન કરે એ ચાલે ? ચોવીસ કલાક વિરતિ લેવા માટેના પ્રયત્ન કેટલા ? વિરતિના બાધક સંયોગોને ખસેડવા મહેનત કેટલી ? વિરતિ માટે શક્તિ વધારવા અને અશક્તિ ટાળવાનો પુરુષાર્થ કેટલો ? જે ચીજનું અર્થીપણું હોય તે અશક્તિના યોગે મળે નહિ એ બને પણ તેને માટે પ્રયત્ન જ ન હોય એ ન બને. રોજ “સંયોગ નથી” એમ બોલ્યા કરે શું વળે ? પૂજા ન થાય તો સમકિતીને દુઃખ ન થાય ? વ્યાખ્યાન રહી જાય તો એને મૂંઝવણ ન થાય ? દુનિયાની સારી ચીજ ખાવાનું મન થઈ જાય ત્યારે પોતાની ત્યાગ નહિ કરી શકવાની નિર્બળતાનો વિચાર પણ ન આવે ? ખાતાં પીતાં સ્વાદમાં પડી જવાય ત્યારે “અરે હજી પણ આ સ્વાદ ખસતો નથી” એમ પણ ન થાય ? અણુભર આગળ ન વધે અને કહ્યા કરે છે, સમ્યક્ત્વ સાચું, તો એ સમ્યકત્વ ક્યાં સુધી ટકે ? મિથ્યામતિના પરિચય વિના પણ આ દશા છે તો પરિચયથી તો શી દશા થાય ? ' . .
આ મહર્ષિઓએ જે બંધન મૂક્યાં છે તે ઇરાદાપૂર્વક અને એકાંતે ભલા માટે જ મૂક્યાં છે. પરંતુ આજે કેટલાક ફરિયાદ કરે છે કે, આ રીતે પરિચય ન કરીએ, સંબંધ ન રાખીએ તો રહેવું કઈ રીતે? શાસ્ત્ર કહે છે કે, સમ્યકત્વ સાચવવાની તાકાત આવ્યા પછી ઠીક લાગે ત્યાં ફરજે. હમણાં તો મિથ્યામતિઓના વિના સહવાસે પણ પરિણામ ટકાવવાની તાકાત નથી તો સહવાસમાં ગયા પછી કઈ રીતે ટકાવીશ ? સમર્થો માટે બધી છૂટ છે. આપણા સમર્થ આચાર્યોએ છએ દર્શનીઓની સભાઓમાં જઈ વાદ કર્યા છે અને જીત મેળવી છે ને ? એમને માટે એ દોષ નથી. પણ તમારા માટે દોષ છે.
આ રીતે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદૃષ્ટિની પ્રશંસા તથા મિથ્યાદષ્ટિનો પરિચય આ પાંચેય દોષો પ્રયત્નપૂર્વક તજવા યોગ્ય છે. જો આ દોષો જાય તો પીઠની પોલાણ પુરાય અને એ પુરાય તો પીઠ દઢ બને.
શંકા એ પહેલો દોષ છે. શ્રી જિનેશ્વરદેવે કહેલી એક પણ વાત ખોટી ન હોય. કારણ કે, જે જ્ઞાનદૃષ્ટિએ જોયું તે જ એમણે હ્યું. જે કહ્યું તે આત્મસ્વરૂપ પ્રગટાવવા જ કહ્યું છે. એમાં કાંઈ શંકા કરવા જેવું નથી. કદી મોહના યોગે શંકા થાય તો બુદ્ધિમાન એ રીતે સમાધાન મેળવે કે, શ્રી જિનેશ્વરદેવ રાજા તથા રેક બેયમાં સમાન દૃષ્ટિવાળા હતા. એમને ખોટું કહેવાનું કાંઈ પ્રયોજન નથી. મને આ વાત સમજાતી નથી તેમાં કારણ મારી મતિની મંદતા છે. અગર તેવા સમર્થ જ્ઞાનીનો અભાવ છે. વધુમાં હોય તત્ત્વની ગહનતા કે મારા જ્ઞાનાવરણીયનો ઉદય કે વસ્તુની સિદ્ધિ માટે પૂરાં દૃષ્ટાંતોનો અભાવ, એ પણ કારણ હોઈ શકે છે. આ રીતે બુદ્ધિમાન પોતાની શંકાને શમાવી શકે છે. .