________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એ રીતની પ્રશંસા કરવામાં આવે તો એ રીતની પ્રશંસા કરનાર, બીજાઓને ઉન્માર્ગે ચડાવવાના પાપનો પણ ભાગીદાર થાય. એ જ કા૨ણે ગુણરાગી બનનારે વિવેકી, પરીક્ષક અને વિચારશીલ બનવું જોઈએ તથા દેખાવમાત્રના ગુણમાં રાચવા ન મંડી પડવું જોઈએ. દેખાવમાત્રના ગુણમાં રાચી પડવું એ વિવેક નથી પણ અવિવેક છે.
૧૧૮
688
સજ્જનના ગુણો જેટલા પ્રમાણમાં હોય તેટલા જ બહાર આવે અને દુર્જનમાં ગુણો હોય થોડા પણ દેખાય ઘણા કેમ કે, એનો આડંબર તો પોતાની જાતને પૂજાવવાનો હોય છે. એ કારણે ગુણરાગી, દેખાવમાત્રથી લોભાય તો કદી પણ સન્માર્ગે ન ટકી શકે. હિતના અર્થીઓએ, પોતાને સન્માર્ગમાં સ્થિર રાખવા તથા બીજા ઉન્માર્ગે ન ચઢે એ માટે ‘ગુણ, પણ કોનો છે.?’ એ અવશ્ય જોવું જોઈએ. આ જ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, શ્રી જિનેશ્વરદેવના આગમથી વિપરીત જેની દૃષ્ટિ તે બધાય મિથ્યાદષ્ટિ છે અને એવા આત્માઓના ગુણની પ્રશંસા કરવી એ સમ્યક્ત્વનો ચોથો દોષ છે. આથી સ્પષ્ટ છે કે, મિથ્યાદૃષ્ટિ વિદ્વાન અને શક્તિસંપન્ન હોઈ શકે, પણ એની વિદ્વત્તા જ્ઞાન કોટિની નથી હોતી. પણ અજ્ઞાન કોટિની હોય છે અને એની શક્તિ સદ્ગુણ કોટિની નથી હોતી. પણ દુર્ગુણ કોટિની હોય છે. ઘોર મિથ્યાદૃષ્ટિ, પોતાના જ્ઞાન, શક્તિ અને ક્ષમા આદિ ગુણોનો ઉપયોગ આત્મહિત માટે નથી કરી શકતો. ‘દ્વીપાયને, તપની શક્તિનો ઉપયોગ શામાં કર્યો ?' એ તો તમે જાણો જ છો. ખરેખર સદ્ગુણ પચાવવા માટે દૃષ્ટિ શુદ્ધ જોઈએ; નહિ તો એ ગુણને દુર્ગુણ બનતાં વિલંબ નથી લાગતો : એ જ કારણે ગુણરાગી, સ્વ-પરનો ઘાત થાય એવી પ્રશંસા ન કરે. આ કથનથી એ વાત પુરવાર કરવાની જરૂર નથી જ રહેતી કે, ‘સાચાને ખોટું મનાવવા આ શાસ્ત્રકાર માગતા જ નથી.' કારણ કે, જો એમ હોત તો તો એ ઉપકારીઓ, ‘ત્યાં ગુણ જ નથી અથવા તો અમુક જ સાચા.' એમ જ કહેત : પણ એમ નહિ કહેતાં આ તો કહે છે કે ગુણ તો અવશ્ય હોય, ત્યાં પણ ઉદારતા, સદાચાર, તપ, ભાવના પણ હોય : પણ એ ગુણથી, એ મુક્તિની સાધનાને બદલે સંસારની સાધના કરે છે : માટે એ ગુણો, જેવું ફળ આપવું જોઈએ તેવું ફળ નથી આપી શકતા : એથી જ એ ગુણોને લઈને એ ગુણના સ્વામીઓ, પ્રશંસાપાત્ર રહેતા નથી. એક મિથ્યામતિના ગુણની કે સઘળા મિથ્યામતિના ગુણની અને એક દર્શનની કે સર્વદર્શનની પ્રશંસાથી સમ્યક્ત્વમાં દોષ લાગ્યા વિના રહેતો નથી એ જ કારણે ગુણરાગીએ, ખૂબ જ સાવધ ૨હેવું જોઈએ અને ચકોર વિવેકી બનવું જોઈએ.