________________
૧૧૯
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
શ્રી કુમારપાળ મહારાજા, રાજ્યાદિના ત્યાગી નહોતા, પણ કંટકેશ્વરીને તાબે ન થયા. કંટકેશ્વરીએ કહ્યું કે, “રાજ્ય પાયમાલ થશે, તારા પ્રાણ જશે.” કુમારપાળે કહ્યું, ‘તેની પરવા નથી, રાજ્ય ભલે જાય પણ ધર્મ રહેવો જોઈએ, મને પ્રાણની પરવા નથી.” એ જ રીતનો એક બીજો પ્રસંગ. શ્રી હેમચંદ્રસૂરિ ગ્રંથો રચતા અને લહિયાઓ તાડપત્ર પર લખતા. એક વખત તાડપત્ર ખૂટ્યાં. શ્રીકુમારપાળ મહારાજે વિચાર્યું કે, “ગુરુ પુસ્તક નવાં રચે અને હું, લખવા તાડપત્ર પણ પૂરાં ન પાડી શકું ?' એમણે અભિગ્રહ કર્યો કે, “જ્યાં સુધી તાડપત્ર પૂરાં ન પડાય ત્યાં સુધી અન્ન-પાણીનો ત્યાગ.” શું આ બધું ત્યાગની તૈયારી વિના શક્ય છે ? નહિ જ, માટે પ્રભુશાસનને પામેલામાં ત્યાગની તૈયારી તો જોઈએ જ. ધર્મના પ્રભાવે વૃક્ષોને હાથ લાગતાં અન્ય જાતિનાં વૃક્ષો તાડનાં વૃક્ષો બન્યાં. આ બનાવ પાટણમાં બનેલો.
સભા: ‘એ જ પાટણ આ ?” હા ! એ જ પાટણ આ.
એ બનાવથી સમજો કે, ધર્મ માટે કરેલી મહેનત, વાપરેલા પૈસા, કરેલી દોડધામ કદી નિષ્ફળ ગઈ નથી, જતી નથી અને જશે પણ નહિ. આથી હયાત સાધનસામગ્રીનો લાભ લેવાય તેટલો લઈ લ્યો, બાકી સાધનસામગ્રી ગયા પછીનો પશ્ચાત્તાપ નિષ્ફળ છે.