________________
678
૧૦૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
જોઈને જેની તેની પ્રશંસા કરતાં પહેલાં વિચારવાનું છે. કેવળ ગુણને વળગી ગમે તેવાની પ્રશંસાના પરિણામે આખી વસ્તુ બગડી જાય છે. અમુક ગુણને લઈને ગમે તેવી વ્યક્તિની પ્રશંસાના પરિણામે સામાન્ય આત્માઓ એને ગુણી માને, એની સલાહ માને અને પરિણામે સન્માર્ગને બદલે ઉન્માર્ગે જાય એ ભયંકર નુકસાન છે.
ગુણનાં વખાણ ચોવીસેય કલાક કરો, પણ વ્યક્તિની પ્રશંસા કરવામાં જરા થોભો. વ્યક્તિને જુઓ ! એની પ્રશંસા કરવાથી કોઈનું અહિત તો નહિ થાય ને ? એ વિચારો. તો જો એની પ્રશંસામાં નુકસાન ન દેખાય તો કરો; લાભ ન થાય તો કાંઈ નહિ પણ હરકત તો ન જ થવી જોઈએ.
વાતથી, પ્રશંસાથી સામો પામી જાય તો સારું, ન પામે તો કાંઈ નહિ. પણ નાશ ન થવો જોઈએ. એવી પ્રશંસા ન થાય કે જેથી દુર્ગુણી પૂજાઈ જાય. ‘કેટલો બધો ત્યાગ !' એમ કહેતાં પહેલાં એની પાછળ શું છે એ જુઓ, કહે છે કે ‘એ તો ન જોઉં’ તો એ કેમ નભે ? એથી તો ડુંગુરુ પોષાય છે. વેષ એ ગુણ છે પણ કોણ પહેરે તો ? વેષ મહત્ત્વનો જરૂ૨ પણ કોના માટે ? વેષના યોગે કેવળજ્ઞાન પણ કોને ? શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ આદિને ! શાથી કે વેષનો મહિમા એ પુણ્યાત્માઓના હૃદયમાં અંકાયો હતો માટે. સારી ચીજ ગુણ કોને કરે ? સારી ચીજ અયોગ્યને લાભ ન કરે. માટે એ ચીજ ખોટી નથી. મૂર્તિ જોઈને પણ અનેકનાં હૈયાં બળે છે માટે મૂર્તિ ખરાબ છે એમ ન કહેવાય. સારી ચીજ પણ અયોગ્ય પાસે જવાથી ઊંધું પરિણામ લાવે છે તો અયોગ્ય પાસેના ગુણની પ્રસંશા થાય તો હાનિનું પૂછવું જ શું ? પણ આજે આ વિવેક લગભગ નાશ પામ્યો છે અને એથી ભયંકર નુકસાન થઈ રહ્યું છે. ગુણના નામે થઈ રહેલા દંભથી ચેતો :
કહે છે કે, ‘કોઈના ગુણ ગાવામાં પણ દ્વેષ ? આવી ક્ષુદ્રતા ?' આની સામે આપણે કહીએ છીએ કે, ‘ભાઈ ! ગુણ ગાને !! ગુણ ગાવાની ના પણ કોણ પાડે છે ? પણ ગુણના નામે અયોગ્ય વ્યક્તિને વચ્ચે લાવવાની જરૂર શી છે ? જે વ્યક્તિ ભયંકર છે અને જે બનાવટી ગુણને સારી રીતે કેળવી જાણે છે, તેની પ્રશંસાથી ફાયદો પણ શો છે ? વધુમાં સમજો કે, જેને કુમત ફેલાવવો હોય છે તેની સમતા અજબ હોય છે !
દુનિયામાં પણ જે આખી પેઢી પચાવવા માંગે તેની ક્ષમા જેટલી ક્ષમા પેઢીના સાચા માલિકની ન જ હોય. પેઢી બથાવી પાડવા આવનાર તો બહુ ઠંડો હોય, જરાયે ઊંચો ન થાય; પેઢીવાળો એને ગાળ દે તોયે એ હાથ જોડે; અને કહે