________________
૬ : સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય ? - 46
૮૫
કાલે કૃતઘ્ન કોને કહ્યા હતા એ યાદ છે ? કરેલા ગુણનો ઘાત કરે અને ઊલટો સામાને કલંકિત કરે, તે કૃતઘ્ન. જે ધર્મે આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ, તેમાં એ શ્રાવક કુળમાં જન્મ આપ્યો એને કેટલી મિનિટ યાદ કરો છો ? આ ખાનપાન, માનપાન, કપડાં-લત્તાં, એ તમારા રૂપરંગને મળે છે કે તમારા મોંને મળે છે, એવું રખે માનતા ! તેજવાળા આવા તો કેટલાય રોયા કરે છે, જે ધર્મ આત્માને ઉન્નત અવસ્થામાં લાવે તેને ભૂલનારની હાલત કફોડી થાય છે. વાતો બધી કરે પણ વસ્તુ માત્ર વાતમાં જ ૨હે છે, અમલમાં નથી, એ જ દુઃખ છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે તે મુજબ હું પણ કહું છું કે, એવી કાર્યવાહી શીખો અને આચરો કે જેથી માનવજીવન દીપે.
655
માનવજીવનમાં ગાંડાની જેમ લવ લવ કરાય નહિ, જેમ તેમ બોલાય નહિ, જેમ તેમ ચલાય નહિ, જેમ તેમ બેસાય-ઉઠાય નહિ. જે તે ખવાય-પીવાય નહિ. એ રીતે તો પશુ કરે. જેમ તેમ કરવું એ તો પશુજીવન છે. જ્યાં ત્યાં પડતું મેલવું, જેને તેને શીંગડાં મારવાં, ગમે તે ખાવું એ પશુનું કામ છે. માનવ તો ચાલે જોઈને, બોલે વિચારીને, બેસે તપાસીને અને ખાય ભક્ષ્યાભક્ષ્યનો વિવેક રાખીને ! ઇચ્છા મુજબ ગમે તેમ વર્તે એ તો માનવ નહિ પણ ઢોર છે. પોતાની ભૂલથી સામાને ઠોકર વાગી, ત્યાં ‘એ અથડાયો કેમ ?' એમ માનવથી ન બોલાય. મનુષ્યજીવન એટલે મોટામાં મોટું અંકુશમય જીવન છે. આજના જડવાદના વાયરામાં તણાયેલા લોકો અંકુશ વિનાના બનવા માંગે છે, પણ તેઓ આજે ભૂલી રહ્યા છે.
તમારાં વર્ષ સફળ થયાં કે નિષ્ફળ ગયાં !
‘હું કોણ ? મારું શું ?’ એ વિષે ચોવીસ કલાકમાં કંઈ વિચાર્યું ? નહિ જ, કારણ કે, તમારી દશા આજે યંત્ર જેવી બની છે. સવારે આંખો ચોળતાં ચોળતાં ઊભા થયા. સ્ટવ સળગાવ્યો. પેટમાં ગરમાગરમ ચ્હા રેડી, જરા ટાઈટ થયા. એટલે ચાલ્યા બજારમાં ! કોઈ જરા ઠીક હોય તો ભગવાનનું મોં જુવે. કોઈ વળી ભગવાનને બે-પાંચ તિલક કરે, પણ એ કેવાં ? રીતસર તિલક તો પોતાના કપાળમાં કરે ! ભગવાનને તો જેમ આવે તેમ ચાલે, કોઈ પુણ્યશાળી ભગવાનને રીતસર તિલક કરતા હોય, તો એ એટલા ભાગ્યવાન.
બજારમાં જઈને શું કરે, તે તો તે જ જાણે ! ઘ૨માંય કોઈને ખબર ન પડે, એમની એ વાતો તો કહેતાં શરમ થાય તેમ છે, પણ એટલું સમજો કે, ‘તેઓ ત્યાં કમાવા જાય છે, દાન દેવા નહિ ? ઘર ભરવા જાય છે, કોઈનું ભલું કરવા નહિ ! શ્રીમંત બનવા જાય છે, શાહુકાર બનવા નહિ ! યેન કેન પ્રકારેણ આવક