________________
૯ : સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય ? -6
વિચિકિત્સા દોષ સામાન્ય કક્ષાના જીવને તરત આવે છે. ધર્મના સ્વરૂપને નહિ સમજનારમાં શંકા અને કાંક્ષાની જેમ વિચિકિત્સા પણ વાત વાતમાં આવી જાય છે. એને તો વીતરાગની વીતરાગતામાં અને સાધુની સાધુતામાંયે શંકા થાય. એના જ પ્રતાપે ઘણા કહે છે કે, “સેવા ફળે નહિ તો સાધુ શાના ? અમે પગે લાગીએ, ભક્તિ કરીએ, પગચંપી કરીએ અને અમારું દળદર ફીટે નહિ તો. સાધુ શાના ? બીમાર પાસે સાધુને લાવીએ અને દરદી સારો ન થાય તો એ સાધુ શાના ?” વિચારો કે, આ શાથી બોલાય છે ? કહેવું જ પડશે કે, ધર્મના સ્વરૂપને સમજેલા નહિ હોવાથી જ. - જ્ઞાની પુરુષો તો ફરમાવે છે કે, શ્રી વીતરાગની સેવા કરી વીતરાગ થવું હોય તો આત્મા પરનાં રાગનાં બંધન ખસેડો, એ તારકની ભક્તિ કરો અને એ તારકની આજ્ઞા જીવનમાં ઉતારો ! આજ્ઞા પૂરી પળાય તો કર્મક્ષય થાય અને કર્મક્ષય થાય તો વીતરાગતા વગેરે આપોઆપ જ પ્રગટ થાય. આદર્શો લાવવા માટે શ્રદ્ધાસંપન્ન બનવું જોઈએ. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે અવિચળ શ્રદ્ધા ત્યારે જ રહે કે જ્યારે દેવ, ગુરુ અને ધર્મ તેના વાસ્તવિક સ્વરૂપે સમજાય. ક્ષમા કેળવતાં શીખો !
સંતોષ, ક્ષમા, સરલતા, નિર્લોભતા વગેરે ધર્મ છે, પણ એ કયા સ્થાનમાં અને ક્યા સ્વરૂપે, એ વિચારણીય છે. ક્ષમાધર્મનું ફળ કયું?કષાયો આત્માને ન બાળે, કષાયોથી કર્મ ન બંધાય, ભવિષ્યમાં આપત્તિ ન આવે, બીજા કર્મોનો પણ ક્ષય થાય. એના યોગે આગળની દુનિયામાં સુખ-સાહ્યબી સ્વર્ગાદિ મળે છે અને પરિણામે મુક્તિ પણ મળે એ ક્ષમાનું ઉત્તમ ફળ છે !
ક્ષમાનો પહેલો લાભ તો એ કે, એને ધારણ કરનારો ગમે તેવા પ્રસંગે પણ મૂંઝાય નહિ. જ્યાં ક્ષમા નથી ત્યાં ક્રોધ આવે અને એ આવે કે પહેલાં જ એ પોતે બળે બીજાને તો બાળશે. ત્યારે બાળશે, સામાનો અશુભોદય હશે તો સામો કદાચ બળશે, પણ પહેલાં તો એ પોતે જ બળશે. જ્યાં ક્ષમા નથી ત્યાં ક્રોધના યોગે ગમે તેવા પ્રસંગે બળતરા પહેલી થશે અને ક્ષમા હોય તો કાંઈ જ ન થાય.
જેને ક્ષમાની ટેવ નથી, એ સામાન્ય પ્રસંગમાં પણ અંદર બળ્યા જ કરે; ભલે બહારથી કહી ન શકે. પણ અંદર તો સળગે જ. ચિંતાથી વિચારશક્તિ પણ નષ્ટ થાય અને એથી એ સારાસારને વિચારી ન શકે, જ્યારે ક્ષમાગુણથી તો ગમે તેવા પ્રસંગે પણ શાંતિ જ રહે. એ શાંતિ મડદાની કે મૂર્માની નહિ પણ સાચી. જે સારું-નરસું સમજે જ નહિ તેને ગુસ્સો ન થાય એ જુદી વસ્તુ છે, પણ જે સમજીને બળે નહિ એનામાં જ ક્ષમા આવી કહેવાય.