________________
૫ ગુણયુક્ત સમુદાય એ સંઘ ! વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, માગસર વદ-8, ગુરુવાર, તા. ૧૯-૧૨-૧૯૨૯
• આજ્ઞા કરે કોણ અને આજ્ઞામાં રહે કોણ ? • છ પ્રકારના બાહ્ય તપ : • જેને અનુસરો તેને તપાસો ! • વર્તમાનનું પ્રચારકાર્ય-એક દૃષ્ટિપાત : • છ પ્રકારનો અભ્યતર તપ : • બાલપંડિતમરણ અને પંડિતમરણ :
આજ્ઞા કરે કોણ અને આજ્ઞામાં રહે કોણ?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રી તીર્થંકરદેવની સ્તુતિ કર્યા પછી પૂજ્ય શ્રીસંઘની સ્તુતિ કરતાં શ્રીસંઘનું સ્વરૂપ વર્ણવે છે. તીર્થકરવત્ પૂજ્ય શ્રીસંઘ કેવો હોય' - એ ખાસ વિચારવા જેવું છે. આપણે જેને પૂજીએ તે તેવા હોવા જોઈએ, કે જે પોતાના જેવા બનાવે ! એટલે આપણે જેના જેવા બનવા માગતા હોઈએ, તેની જ પૂજા કરવી જોઈએ. જેમ દેવ-ગુરુની સેવા કરતાં પહેલાં, એ “સુ” (સારા) છે, કે “કુ' (ખરાબ) છે તે જોવું જોઈએ અને ધર્મ અંગીકાર કરતાં પહેલાં એ સાચો છે કે ખોટો તે જોવું જોઈએ, તેમ સંઘ પણ નામધારી છે કે સાચો છે એ જોવું જોઈએ ને ? જે જે વસ્તુને જે જે સ્વરૂપે પૂજ્ય માનીએ તે તે વસ્તુમાં તે તે સ્વરૂપ છે કે નહિ તે તો નક્કી કરવું જ પડે ને ? કોઈ કહી દે કે, “અમે જેને સંઘ કહીએ તેને તમે સંઘ તરીકે માનો !” - તો “ના જ' કહેવી પડે ને ? શ્રીસંઘ પૂજ્ય ખરો, પણ સંઘત્વ હોય તો, કેવળ ટોળું હોય એ પૂજ્ય નહિ !
શ્રીસંઘનો અર્થ ખાલી ગમે તેવો સમુદાય જ હોય, તો તો આ વિશ્વમાં સમુદાયોની ક્યાં ખોટ છે ? પણ તેવા ગુણહીન અને દોષ વધારનારા સમુદાયની શ્રીસંઘમાં ગણના જ નથી. ગુણવિશિષ્ટ સમુદાય તે જ શ્રીસંઘ. આપણે એવા ઘેલા નથી કે, જ્યાં ત્યાં શિર ઝુકાવીએ કે અતિશયોક્તિભરી સ્તુતિ કરીએ. ભગવાન શ્રી મહાવીરદેવ પણ અરિહંત બન્યા ત્યારે માનીએ છીએ; નહોતા બન્યા ત્યાં સુધી ભાવ અરિહંત તરીકે નહોતા માનતા ! સંસારને