________________
'
૫૧૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ‘દેશકાળને જોઈને એ પણ પાલખીમાં બેઠા, અને શાસ્ત્રને ભાષામાં ફેરવવાનો વિચાર કર્યો ! આથી સ્પષ્ટ છે કે, સ્વતંત્ર વિચાર ન જ થાય એવું જૈનદર્શનમાં નથી. પુરાણપાઠીને પણ એમણે બાજુએ મૂક્યા, માટે શાસ્ત્રવિરુદ્ધ વિચાર ન થાય એવો પાઠ ભણાવનારા સાધુ ખોટા છે.” આમ લખીને શ્રી સિદ્ધસેન દિવાકરનાં વખાણ કરે છે !
એવાઓને કાનપટ્ટી પકડીને પૂછો કે, “આ વાત લાવ્યા ક્યાંથી ?” આવાઓ કદી વાત કરવા આવે તો એટલું જ પૂછો કે, “આ બેય વાર ભૂલ કરી એ વાત સાચી છે કે નહિ ? હા કે ના કહો ?' એવાને કહેવું પડે કે, આવી અધ્ધરીઆ વાતો કરવી એ તો સન્નિપાત કહેવાય ! શાસ્ત્રોની વાત સમજવા માટેય વિવેક જોઈએ!
આ શાસ્ત્રમાં તો બધુંયે છે. મિથ્યાત્વની, હિંસાની, જૂઠની, તમામ વાતો આમાં છે.
સભા : પણ એ ત્યાજ્ય છે.
પણ એ બિચારાઓને એ બધું જોવું છે ક્યાં ? અને આવાઓનું થાય પણ શું? એ લોકો પુસ્તક કે કથા વાંચે, તે પ્રાયઃ એક જ દૃષ્ટિએ કે, પોતાની મન કલ્પનાને પોષનારાં પ્રમાણ કેટલાં મળે છે ! નાસ્તિક મતનું પ્રમાણ પણ આમાંથી મળે, કેમ કે, એનું ખંડન બરાબર કરવા માટે એના મતનું સ્વરૂપ વિસ્તારથી આમાં સમજાવેલ છે. એના મન્તવ્યની એકેએક યુક્તિ આમાં લખી, પછી બરાબર ખંડન કર્યું. હવે ખંડન ન વાંચે અને માત્ર મંડન વાંચીને જ ઊઠી જાય, તો તો એ જ નાસ્તિક બને ! નાસ્તિક દર્શનકારે પોતે પોતાના મતનું જેટલું મંડન ન કર્યું હોય, તેટલું આ શાસ્ત્ર કરે, કેમ કે, ખંડન કરવું છે.
આ શાસ્ત્રની શૈલી જ જુદી છે. નિત્યવાદી તથા અનિત્યવાદીને ઊભા કરે, બેય પાસે પોતાના પક્ષ બરાબર સ્થપાવે અને પછી શ્રી જિનેશ્વરદેવને ન્યાયાધીશ સ્થાપી ન્યાય અપાવે; છએ દર્શનના આ રીતે વાદ કરાવી, શ્રી જિનેશ્વરદેવ પાસે ન્યાય અપાવે કે, આમાં આ ખોટું, આમાં આ ખોટું અને આ સત્ય. છએ દર્શનની વાત આમાં છે.
એક જણે જાહેર કર્યું હતું કે, “જૈનદર્શન પુણ્યપાપ આદિને માનતું નથી માટે નાસ્તિક છે. એને પૂછ્યું કે, “તું આ લાવ્યો ક્યાંથી ?” એટલે એણે કહ્યું કે, હેમચંદ્રસૂરિ કહે છે !” પ્રમાણ માગ્યું ત્યારે એણે જાહેર કર્યું. એમાં નાસ્તિકમંત્રી પોતાના મતના સમર્થનમાં આ રીતે કહે છે, અને પછી એનું ખંડન આસ્તિક-મંત્રી કરે છે એમ નીકળ્યું, ત્યારે એ ચૂપ થઈને રફુચક્કર !