________________
503 — ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 — ૫૦૩
અમારું બોલેલું છેલ્લા પાટલાનું નહિ પણ ચાલુ પાટપરંપરાનું છે :
એ જ કારણે ‘સાંજ વર્તમાન'માં યુવક સંઘની પચીસમી પત્રિકા પ્રગટ થઈ ગયા પછી એક યુવક મધ્યસ્થતાનો ડોળ કરી એવા આશયનું લખે છે કે, ‘યદ્યપિ હું યુવક સંઘમાં છું, મને એના ઉદ્દેશો માન્ય છે, પણ આ પત્રિકામાં એક-બે વાત લખાઈ ગઈ છે તેમાં હું સંમત નથી; છતાં બેય પાર્ટીના કેટલાક માણસો લડી લેવાના છેલ્લા પાટલે બેઠા છે.’ આમ લખીને એ મધ્યસ્થતાનો ડોળ કરે છે ! મધ્યસ્થતા બતાવવાનો ઢોંગ કરે છે !! તરત જ આગળ લખે છે કે, ‘પણ એની સામે, સામા પક્ષના કોલાહલથી મૂંઝાવાનું નથી. આજે એ પાર્ટી તો કોઈની મોરલી ઉપર નાચે છે.’
શાસનપાર્ટી માટે એ આમ લખે છે. એનો લખવામાં આશય એ છે કે, ‘આક્રમણનું મૂળ તો સાધુ છે, કેમ કે, આગમમાંથી આસ્તિક-નાસ્તિકની વાતો કાઢી છે માટે યુવક સંઘ ખળભળ્યો છે, એના નિમિત્ત તો સાધુ છે; જો આગમની મહત્તા સાધુઓ જગમશહૂર ન કરત, ન કરવા માંગત, કરવા પ્રયત્ન ન કરત, તો સુધરેલાઓ તથા યુવક સંઘ આક્રમણ ન કરત ! આસ્તિક-નાસ્તિકની વ્યાખ્યાથી, આગમે કરેલી એ વ્યાખ્યાથી, એ વ્યાખ્યાને જનતા પાસે સ્પષ્ટપણે મૂકવાથી, યુવક સંઘ નાસ્તિકની કોટિમાં આવતો હતો, માટે એના આક્રમણના મૂળ તમે છો, એમ એ મધ્યસ્થ જણાવવા માંગે છે.
જ્યારે આગમની વાત આપણે પૂરજોસમાં બહાર મૂકવા માંડી, આસ્તિકનાસ્તિકની વ્યાખ્યા કહેવા માંડી, મગ મારા અને તલ તારાની વાત થઈ કે એ ગભરાયા, એટલે એકદમ આગમ પર સવારી કરી. છેલ્લા પાટલાને સમજો. આપણો છેલ્લો પાટલો કયો ? ‘આગમને અનુસારે વ્યાખ્યા કરીએ છીએ તે,’ અને એમનો છેલ્લો પાટલો ‘આગમોને સળગાવી મૂકવાનું કહેવાનો.' કેમ કે, વ્યાખ્યા બાંધનાર તો આગમ છે ને ? હવે અહીં કોઈ તટસ્થ, જો કે આવા સમયે વાસ્તવિક રીતે કોઈ પણ વસ્તુસ્વરૂપનો જ્ઞાતા તટસ્થ હોઈ શકે જ નહિ, છતાં પણ જે પોતાને તટસ્થ કહેવરાવે છે તેને બોલાવીને પૂછો કે, આ બે છેલ્લા પાટલાવાળામાં શુદ્ધ દાનત કોની ?'
અમે આગમની કહેલી વ્યાખ્યા જાહેર કરીએ છીએ તે વાજબી છે, કારણ કે, અમો દાવો કરીએ છીએ કે એ તારણહાર છે, અને જૈન સમાજ, જૈન સમાજ તરીકે એના આધારે જ જીવે છે. આજે કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે અધિજ્ઞાનરૂપ ચક્ષુ નથી.