________________
૪૯૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
498
સભા એ વેપારી બોલે તો ફસાઈ પડે ને ?
એ વાત પછી, એ પોતાનો અધિકાર ભૂલે તો ફસાઈ પડે, પણ આપણો મુદ્દો એ છે કે, બોલે જ નહિ. અધિકાર બહાર બોલે જ નહિ. જજની પાસે બેઠેલો કારકુન પણ કંઈ ન બોલે, પટાવાળો જજ પાસે થાંભલાની જેમ ઊભો જ રહે. એનું કામ સલામ કરવાનું અને જે ચીજ મંગાવે કરે તે આપવા-લેવાનું, પણ બોલે કાંઈ નહિ. હોશિયાર ઑફિસર પણ ઉપરી સાહેબ પાસે જરૂર જેટલું જ બોલે. આ બધું કહેવામાં આપણો મુદ્દો એ છે કે, આ વીસમી સદીમાં પણ યોગ્ય સ્થાને રહેવા ઇચ્છનારાઓને સર્વ અંકુશો સ્વીકા૨વા પડે છે, ત્યારે શું જૈનશાસન કંઈ કાયદા બહારનું છે કે તેની અંદર જે તે પાગલ લવી જાય ? અધિકાર વિનાની પ્રવૃત્તિ એ ગાંડપણ :
કહે છે કે, ‘કોઈ વિધવાવિવાહ કરવો જોઈએ એમ કહે, એમાં સંઘને શું ?' આની સામે આપણે કહીએ છીએ કે, ‘જૈનશાસનમાં રહેવું હોય એનાથી શાસ્ત્રાજ્ઞા વિચારીને જ બોલાય, પણ જેમ તેમ લવાય નહિ.' આની સામે કહે છે કે, ‘અમને શું બોલવાનો હક્ક નહિ ?' આનો ઉત્તર એ છે કે, ‘નહિ, નહિ સત્તર વાર નહિ, બોલવા માટે લાયકાત મેળવવી જોઈએ; એટલે કે, શું બોલાય અને શું ન બોલાય એ સમજવું જોઈએ. આ સમજણ ન આવે ત્યાં સુધી કાંઈ પણ બોલવાનો અધિકાર નથી; કારણ કે, સમજણ વિના કે અધિકાર વિના કંઈ જ કહી શકાય નહિ.
મહિને લાખ્ખોની આવકવાળો પણ જજની ખુરશી ઉપર ન જ બેસી શકે ! શેઠ તો એની પેઢીએ, કોર્ટમાં તો જજ એ એનો પણ સાહેબ ! એ શેઠ હોઈને જજને કહે, ‘તું તો પગારદાર નોકર !' તો શું ચાલે ? નહિ જ ! ત્યાં તો જજ, એ જ સાહેબ !
એ જ રીતે આજના એ સુધારકો ગણાતા ભણેલા હોય પણ કૉલેજમાં એટલે ત્યાંનું અને ત્યાંની એક લાખ અને એકાવન ચોપડી ફાડી હોય તો પણ અહીં શું ? દુનિયાના ધારાનાં પુસ્તકોના અહીં ઢગલા કરે, તો અહીં એ નકામા. એને અને આને લાગે-વળગે શું ? અમે આટલું ભણેલા !' એમ કહે તો હું કહું કે, ‘એ ત્યાં, અહીં તો હજુ તેમ છતાં પણ અજ્ઞાન જ !' અહીં તો અહીંનું ભણવા માટે અહીંની બારાખડી ભણવી પડશે, વિદ્યાર્થી બનવું પડશે. નાના કીકા જેવા બનવું પડશે, જીવના બે ભેદ, સંસારના અને મોક્ષના; એ વગેરે ભણવા તરીકે ભણવાની ના પાડે તો ઘેર જવાનું કહેવું પડે. નવકાર. પંચિક્રિય, ઇરિયાવહિ બધું શીખવું પડે.