________________
૨ : આરાધક, એ સંઘ !
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, માગસર સુદ-૧૫, સોમવાર, તા. ૧૭-૧૨-૧૯૨૯
♦ પૂજ્ય બનવું હોય તો પૂજાને યોગ્ય બનો :
•
આરાધક ન બનાય તો વિરાધક તો ન જ બનો :
♦ જિનમંદિરોને ભારભૂત કહેનારા સંધમાં ગણાય ?
♦ શ્રી સાગરજી મ.ને માનપૂર્વક વધાવવા જોઈએ :
2
પૂજ્ય બનવું હોય તો પૂજાને યોગ્ય બનો !
આપણે ગઈકાલથી શ્રીસંઘનો પ્રશ્ન છેડ્યો છે. જે શ્રીસંઘ પૂજ્ય છે, તે કેવો હોય ? શ્રી તીર્થંકર પછી શ્રીસંઘ પૂજ્ય ! શ્રીસંઘની સ્તુતિ કરતાં શ્રી નંદીસૂત્રકારે પ્રથમ નગરની ઉપમા આપી. નગરમાં મકાન, લક્ષ્મી, શેરી તથા રક્ષણ માટે કિલ્લો હોય. સૂત્રકાર મુખ્ય વસ્તુની ઘટના કરે, તે ઉપરથી સમજવું જોઈએ કે-શ્રીસંઘ કેવો હોઈ શકે ! તીર્થંકર, તીર્થંકર ક્યારે બને ? બેઠાં બેઠાં, ખાતાં પીતાં ? નહિ જ ! માટે જે રીતે એ તીર્થંકર બન્યા, તે રીતની કાર્યવાહી ન હોય તો, એ ઉપમાન લેવું વાજબી છે ? અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકર થયા અને પચીસમો તીર્થંકર શ્રીસંઘ : શ્રીસંઘ એ તીર્થંકર જેવો. તીર્થંકરે, તીર્થંકર થવા માટે પૂર્વે કેવી આરાધના કરી, એ તો જાણો છો ને! તીર્થંકરના ભવમાં એમનું દાન, શીલ, તપ, ત્યાગ, ચારિત્ર, જગતના એકાંત હિતની ભાવના, એ કેટલાં અનુપમ ! આ આરાધના પછી પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે તીર્થપતિ બને છે !
તીર્થંકર જેવા બનવું, એ નાનું-સૂનું કામ છે ? સૌને પૂજ્ય બનવું ગમે છે. વગર પૂજ્યતાએ પૂજ્ય બનાતું હોય તો કોણ ન બને ? સંયમપાલન વગર માત્ર કપડાં પહેર્યે કામ થતું હોય, તો તો એ બધા કરે. પૂજ્ય બનવું હોય તો પૂજાને યોગ્ય બનો ! પૂજ્ય બની બેસવામાં વાંધો નથી આવતો, પણ પૂજ્યતા લાવવામાં વાંધો આવે છે.
જે આત્મા પોતામાં જે ગુણો મનાવતા હોય, તેઓએ તે ગુણોની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. વ્યવહાર પણ કેવળ નામને માનતો નથી. સંસારસાગર તરવાનો રસ્તો કાઢવો, અનંત સુખના સ્થાનને મેળવવું. ત્યાં કોરા નામની વાત