________________
૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૯, પોષ સુદ-૪, શનિવાર, તા. ૪-૧-૧૯૩૦
• મૂળગુણો એ આત્માનું સ્વરૂપ છે : • બેય લોકમાં ઉપયોગી જ્ઞાન કર્યું • ધર્મ માટે શું કર્યું?
કોરી મતિકલ્પનાથી ધર્મ નહિ જ પમાય : પૂ. આત્મારામજી મહારાજનો એક પ્રસંગ :
એ ડહાપણ સમયસરનું નથી : • અશુભોદય ધર્મીને કે ધર્મને ? • એક પણ પુણ્યક્ષેત્ર ન જ સીદાવું જોઈએ ?
મૂળગુણો એ આત્માનું સ્વરૂપ છે:
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘને સાગરની ઉપમાથી સ્તવતાં કહે છે કે, જેમ સમુદ્રમાં ચાર વસ્તુ હોય, તેમ શ્રીસંઘરૂપ સાગરમાં પણ ચાર વસ્તુ હોય; સાગરમાં વેલાઓ હોય, મગર વગેરે જલજંતુઓ હોય, અક્ષોભ્યપણું હોય અને સામેનો કિનારો ન દેખાય એટલો વિસ્તાર હોય છે. શ્રીસંઘરૂપ સમુદ્રને પણ ધૃતિરૂપ વેલાઓ હોય છે. ધૃતિ એટલે મૂળગુણ તથા ઉત્તરગુણને વિષય કરનારો અને પ્રતિદિન વૃદ્ધિ પામતો ઉત્સાહ. ઉત્તરગુણ તથા મૂળગુણ ખીલવવા માટે આત્માના પરિણામની ધારા વધે તે વેલા. સાગરમાં જેમ મગરો હોય છે, તેમ શ્રીસંઘરૂપી સાગરમાં પણ પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપી મગરો છે. જેમ જેમ સ્વાધ્યાય વધે તેમ તેમ મૂળગુણો તથા ઉત્તરગુણો પ્રત્યેના પરિણામની ધારા વધે અને તેમ તેમ તે ગુણો વધે. એ ગુણોના ટકાવ માટે સ્વાધ્યાય વિના છૂટકો નથી.
એ સ્વાધ્યાય, જો આગમ હોય તો થાય કે આગમ વિના ? આગમ જાય તો સ્વાધ્યાય પણ જાય અને સ્વાધ્યાય જાય તો મૂળગુણ તથા ઉત્તરગુણનો પ્રેમ પણ જાય. ચોપડા વિના વેપાર ચાલે ? આત્માના મૂળગુણ તથા ઉત્તરગુણ ખીલે ક્યારે ? જેમ જેમ આત્મસ્વરૂપનો ખ્યાલ થાય તેમ તેમ મૂળગુણો અને ઉત્તરગુણો ખીલે.