________________
‘સંઘ સ્વરૂપ દર્શન’નાં આ પ્રવચનો માટે પણ એવું કહી શકાય કે આનું વાંચન કર્યા પછી જો શ્રી તીર્થંકર ભગવંતોએ સ્થાપેલા જિનાજ્ઞા પરતંત્ર સંઘ ઉપર બહુમાન ભાવ ન જન્મે અને જિનાજ્ઞા વિરુદ્ધ વાતોમાં ભોળવાઈ જવાય તો સમજવું કે હજી કર્મો હળવાં બન્યાં નથી.
આ પ્રવચનોમાં એવી પ્રચંડ તાકાત છે કે વાચકમાં ધગધગતી શાસનદાઝ અવશ્ય પ્રગટે, સાચા અને ખોટાની સૂક્ષ્મ ભેદરેખા પકડવાની શક્તિ પ્રગટે, શાસન માટે પ્રાણ આપી દેવાની ખુમારી જન્મ, શાસનની આરાધના ભલે ઓછી થાય પણ શાસન વિરુદ્ધ એક પણ પ્રવૃત્તિમાં મરી જઉ તોય સહકાર તો ન જ આપું આવી દઢતા આવે, ‘કિણ હિ ચલાવ્યો નહિ ચળે” જેવી શાસન પ્રત્યેની અવિચલ શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ થાય, જગતમાં એક શાસન સિવાય કશું જ મારું નથી એવી પ્રબળ ભાવનામાં આત્મા રાચતો બને.
સંઘના નામે ચલાવવામાં આવતી મનઘડંત પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાથરતાં’ આ પ્રવચનો વર્તમાનકાળમાં પણ એટલાં જ માર્ગદર્શક છે..અમે ગીતાર્થ, અમે બહુમતીમાં, અમે પણ શાસ્ત્ર મુજબ ચાલીએ છીએ, એકતા માટે બધું છોડાય. જેવી અનર્થક વિચારધારાઓમાં પણ સ્પષ્ટ અને સુરેખ માર્ગદર્શન આ પ્રવચનો આપે છે. શ્રી તીર્થકર પરમાત્માઓ જ્યારે દેશના આપે છે ત્યારે દરેક જીવને એમ જ લાગે છે કે ભગવાન મારા માટે જ આ બધું કહી રહ્યા છે. આ મહાપુરુષનાં આ પ્રવચનો વાંચતાં તમને પણ આ લાગણી જન્મી રહી છે કે નહિ તે તમે જાતે જ અનુભવી લેજો. કેટલાક મહાપુરુષોના વચનને એવું વરદાન વરેલું હોય છે કે તેમનાં વચનો વર્તમાનકાળે તો ઉપકારની ભાગીરથી વહાવે જ છે, પણ સદીઓ બાદ પણ એ વચનો દીવાદાંડીનો પ્રકાશ ફેલાવતા જ રહે છે. જેનાથી કંઈ કેટલા ભવ્યજીવોની નાવ સંસારસાગરમાં ખરાબે ચડતી અટકી જાય છે. આ મહાપુરુષનાં પ્રવચનો આવું વરદાન લઈને અવતરેલાં છે.
હવે છેલ્લી એક વાત આ પ્રવચનો માટેની, પ્રવચનદાતા સાથેના વાર્તાલાપમાંથી :
વિ.સં. ૨૦૪૨ની સાલમાં આ પ્રવચનોનાં ઉદ્દગાતા અને સહસ્ત્ર કિરણોથી જિનશાસનને પ્રકાશિત કરનારા સર્વતોમુખી પ્રતિભાસંપન્ન આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું ચાતુર્માસ આ પ્રવચનોની જન્મભૂમિ ભૂલેશ્વર લાલબાગમાં જ હતું.
એક દિવસ રાત્રે પ્રતિક્રમણ બાદ પાંચ-સાત સાધુઓ ભેગા થઈને ભૂતકાળની વાતો વાગોળવા માંડ્યા. વાત તો પૂજ્યશ્રીની જ હોય. તે સમયે ૯૦ વર્ષની બુઝર્ગ વય હોવા છતાં જે જોમથી પ્રવચનો ચાલતાં હતાં, તેનાથી અભિભૂત થયેલા એક મહાત્માએ કહ્યું,
૧૨