________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા 1 ૩૬
દર્શનોની યુગપદ્ ઉત્પત્તિ
દર્શનનો અર્થ નિર્વિકલ્પક જ્ઞાન કરતાં ઈન્દ્રિયો દ્વારા થતાં છ દર્શનોની યુગપદ્ ઉત્પત્તિ સંભવે છે કે નહીં એ પ્રશ્ન ઊઠે છે. જૈનોને મતે આ છમાંથી કોઈપણ બે દર્શન એકસાથે સંભવી શકતાં નથી. આ બાબતે તેઓ બૌદ્ધોથી જુદા પડે છે અને વૈશેષિકો સાથે સંમત થાય છે. વૈશેષિકો આ છ દર્શનોને સાથે થતાં માની શકતા નથી કારણ કે આ છ દર્શનોને માટે પણ ઈન્દ્રિય સાથે મનનો સન્નિકર્ષ તેઓ જરૂરી માને છે અને મન અણુ હોઈ તેનો બે ઈન્દ્રિય સાથે યુગપદ્ સંબંધ ઘટી શકતો નથી.78 પરંતુ જૈનને આ છ દર્શનો સાથે ઉત્પન્ન થવામાં શું બાધક છે ? જૈનોને મતે મન શરીરવ્યાપી છે, અણુ નથી.78અ વળી, આ દર્શનોને ઉત્પન્ન થવામાં મનનો વ્યાપાર જરૂરી માનવા માટે જૈનોને કઈ બાબત ફરજ પાડે છે ? અમને લાગે છે કે તેમને કોઈ બાબત ફરજ પાડતી નથી. તો પછી શા માટે આ છ દર્શનો યુગપદ્ ન સંભવી શકે ? આના ઉત્તરમાં જૈનો કહે છે કે આગમોમાં એવો નિયમ છે કે બે ઉપયોગ યુગપદ્ ઉત્પન્ન ન થાય. ઉપયોગ શબ્દના એકથી વધારે અર્થો થઈ શકે છે ઃ (૧) ચિત્ત અર્થાત્ આત્માની પ્રકાશરૂપતા, (૨) દર્શનશક્તિ, (૩) જ્ઞાનશક્તિ, (૪) દર્શનશક્તિના પ્રાદુર્ભાવો ( manifestations - પર્યાયો) (૫) જ્ઞાનશક્તિના પ્રાદુર્ભાવો. (૬) મનનું અવધાન (mental attention). આ સંદર્ભમાં જેઓ ઉપયોગનો અર્થ દર્શનના પ્રાદુર્ભાવો એવો કરે છે તેઓ બરાબર નથી કરતા એમ લાગે છે. આ સંદર્ભમાં તો ઉપયોગનો અર્થ મનનું અવધાન (mental attention) એવો સમજવો જોઈએ. જો કે મન શરીરવ્યાપી છે તેમ છતાં તે એક જ વખતે એક જ વસ્તુનું અવધાન કરી શકે. તે એક સાથે બે વસ્તુઓનું અવધાન ન કરી શકે. પરંતુ એનો અર્થ એ નહીં કે બે દર્શનો એકસાથે ન થઈ શકે. છ ઈન્દ્રિયનાં છ દર્શનો એકસાથે થઈ શકે. કારણ કે તેમાં મનનું અવધાન જરૂરી નથી, પરંતુ જૈનોએ આ સ્વીકાર્ય નથી.” આ બાબતે બૌદ્ધોનું દૃષ્ટિબિંદુ સાચું -જણાય છે.80 નિર્વિકલ્પક પ્રત્યક્ષની ઉત્પત્તિની વૈશેષિકની પ્રક્રિયા એવી છે કે તેઓ બે નિર્વિકલ્પક પ્રત્યક્ષોને એકસાથે ઉત્પન્ન થતા સ્વીકારી ન શકે. અહીં એ નોંધપાત્ર છે કે ઉત્તરકાલીન જૈન તાર્કિકોને એવું લાગ્યું છે કે જૈનો આ છ દર્શનોની યુગપદ્ ઉત્પત્તિ સ્વીકારી શકે અને તેથી જૈન તર્કગ્રંથોમાં તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જૈન તાર્કિકોએ આ છ નિર્વિકલ્પક જ્ઞાનોની યુગપદ્ ઉત્પત્તિ ન સ્વીકારનાર નૈયાયિકોનું ખંડન કર્યું છે અને કડક જલેબીના ભક્ષણનું દૃષ્ટાંત આપી તે ખાતી વખતે પાંચે ઈન્દ્રિયો દ્વારા પાંચ નિર્વિકલ્પક જ્ઞાનો યુગપદ્