________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા – ૭૪ તેમને પરજ્ઞાન હોય અને આત્મબોધ ન હોય કે આત્મબોધ હોય અને પરજ્ઞાન ન હોય. આનું કારણ તેમની મોહાતીત અને વીતરાગ દશા છે. બાહ્ય પદાર્થનું જ્ઞાન તે જ્ઞાન અને તે જ્ઞાનનું જ્ઞાન તે દર્શન એવો અર્થ લેતાં પણ કેવળદર્શન અને કેવળજ્ઞાન બન્નેની યુગપદ્ પ્રવૃત્તિ ઘટી શકે છે. બાહ્ય પદાર્થનું જ્ઞાન થતાં જ તે જ્ઞાન અવશ્ય જ્ઞાત થાય જ છે. એટલે જ્ઞાન અને દર્શનની અંદર કાળનું વ્યવધાન છે નહીં. નિર્વિકલ્પક નિર્વિચાર દર્શન અને સવિકલ્પક સવિચાર જ્ઞાન એવો જ્ઞાન અને દર્શનનો અર્થ લેતાં કેવળજ્ઞાન અને કેવળદર્શનની યુગપદ્ પ્રવૃત્તિ ઘટી શકતી નથી.
અભેદપક્ષ
આ મતના સમર્થક સિદ્ધસેન દિવાકર છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનના ક્રમવર્તિત્વની માન્યતા પ્રાચીનકાળથી ચાલી આવે છે. કેટલાકના મતે તત્ત્વાર્થભાષ્યમાં યુગપત્ પક્ષનો ઉલ્લેખ જોવા મળે છે. સંભવ છે કે મીમાંસકોના અને બૌદ્ધોના આક્ષેપોનો સામનો કરીને જિનનું સર્વજ્ઞત્વ સિદ્ધ કરવા માટે કે તર્કશીલ જૈનાચાર્યને જ પરંપરાપ્રાપ્ત ક્રમવાદમાં ત્રુટિ દેખાવાને કારણે જૈન પરંપરામાં ક્રમવાદની વિરુદ્ધ યુગપાદ દાખલ થયો હોઈ આ પછી અભેદવાદ દાખલ થયો; જેનું સમર્થન સિદ્ધસેન દિવાકરે કર્યું છે. સંભવ છે કે સિદ્ધસેન પહેલાં વૃદ્ધાચાર્ય નામના આચાર્ય અભેદવાદના સમર્થક રહ્યા હોય એમ પંડિત સુખલાલજીનું માનવું છે.” અભેદવાદી જણાવે છે કે ક્રમવાદમાં આવતા દોષને ટાળવા કેટલાક આચાર્યો કેવળજ્ઞાન અને કેવળદર્શનની યુગપદ્ ઉત્પત્તિ માને છે. પરંતુ ખરેખર તો તેઓ ઉપયોગભેદ માને છે તે જ ખોટું છે. કેવળ દશામાં એક જ ઉપયોગ છે.71 (૧) ક્ષીણ આવરણવાળા જિનમાં સાકાર-નિરાકાર અર્થાત્ વ્યક્ત-અવ્યક્ત અર્થાત્ સામાન્યગ્રાહી-વિશેષગ્રાહી એવા બોધભેદો સંભવતા નથી.72 જેમ કેવલીને કેવળજ્ઞાનથી જુદા મતિજ્ઞાન વગેરે હોતાં નથી તેમ તેને કેવળજ્ઞાનથી ભિન્ન કેવળદર્શનોપયોગ હોતો નથી.73 (૨) મત્યાદિ ચાર જ્ઞાનોની પરસ્પર ભિન્નતા સુસંગત છે કારણ કે તેઓનો વિષય ભિન્ન છે, જ્યારે કેવળજ્ઞાન અને કેવળદર્શન બન્નેનો વિષય એક જ અર્થાત્ સર્વ હોઈ તેમનો ભેદ ઘટે નહીં. કેવળજ્ઞાન અને કેવળદર્શન બન્ને સર્વાર્થગ્રાહી છે, અનાવરણ છે, સકલ છે, અનંત છે અને અક્ષય છે. કેવળજ્ઞાનોપયોગ અને કેવળદર્શનોપયોગનો ભેદ માનતાં કેવળજ્ઞાનનો જે વિષય છે તે કેવળદર્શનથી અગૃહીત રહેશે અને કેવળદર્શનનો જે વિષય છે તે કેવળજ્ઞાનથી અગૃહીત રહેશે. તો પછી સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું કેમ ઘટશે ?74 (૩) આગમમાં કેવલી વિશે કહેવામાં આવ્યું છે કે તે પ્રત્યેક