________________
૬૯ – જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
માન્યતાને વળગી રહી ક્રમોત્પત્તિ સ્વીકારે છે, જ્યારે બીજા કેટલાક તેમનો અભેદ . માને છે. આમ ક્રમવાદી અને યુગપાદી કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ભેદ સ્વીકારે છે, એટલે પ્રથમ ભેદપક્ષસ્થાપક તેમની દલીલો વિચારી ક્રમોત્પત્તિ, યુગપત્પત્તિ અને અભેદ એ ત્રણ પક્ષોનો આપણે એક પછી એક લઈ વિચાર કરીશું.
કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ભેદ
કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ભેદ માનનારાઓ તેમનો ભેદ સિદ્ધ કરતી દલીલો નીચે પ્રમાણે આપે છે :
૧. કેવળજ્ઞાનાવરણ અને કેવળદર્શનાવરણ સ્વીકારવામાં આવ્યા હોઈ કેવળજ્ઞાન અને કેવળદર્શન બે ભિન્ન છે.49
૨. કેવળજ્ઞાન અને કેવળદર્શનનો અભેદ માનતાં આઠ ’જ્ઞાન અને છ દર્શનની આગમિક સંખ્યા ઘટી શકશે નહીં. જો અનાકાર ઉપયોગરૂપ કેવળદર્શન અને સાકાર ઉપયોગરૂપ કેવળજ્ઞાનને એક માનવામાં આવે તો પછી બીજાં જ્ઞાનો, અને દર્શનોને એક માનવાં પડે.50
૩. સ્વગ્રાહી દર્શન અને પરગ્રાહી જ્ઞાન એવો ભેદ મન:પર્યાયજ્ઞાન સુધી રહે છે પછી રહેતો નથી, કારણ કે કેવળજ્ઞાન પોતે પૂર્ણજ્ઞાન હોઈ સ્વ અને પર બધાંનું ગ્રહણ કરે છે, એટલે કેવળજ્ઞાન પોતે જ સ્વગ્રાહી હોઈ દર્શનરૂપ પણ છે અને પરગ્રાહી હોઈ જ્ઞાનરૂપ પણ છે એમ માની જે કેવળજ્ઞાન અને કેવળદર્શનનો અભેદ કરે છે તેમને અનુલક્ષી ભેદવાદી જણાવે છે કે જો કેવળજ્ઞાનને જ કેવળદર્શનરૂપ પર્યાય પણ માનવામાં આવે તો તે બરાબર નથી, કારણ કે કેવળજ્ઞાન સ્વયં પર્યાય છે એટલે એનો બીજો પર્યાય થઈ શકે નહીં. પર્યાયનો પર્યાય માનતાં અનવસ્થાદોષ આવે. ઉપરાંત, કેવળજ્ઞાન પોતે ન તો જાણે છે કે ન તો દેખે છે, કારણ કે તે પોતે જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયાનું કર્તા નથી. આત્મા જ એના દ્વારા જાણે છે. એટલે જ્ઞાનને સ્વ અને પર બન્નેનું પ્રકાશક ન માનતાં આત્મા જ સ્વ અને પરનો પ્રકાશક છે એમ માનવું જોઈએ.1 ૪.સ્વગ્રાહી અનાકાર ઉપયોગ અને પરગ્રાહી સાકારોપયોગને એક માનવામાં વિરોધ આવે છે.52
આગમિક ક્રમવાદી પક્ષ
આ પક્ષ આગમવાક્યોને આધારે કેવળજ્ઞાન અને કેવળદર્શનની ક્રમોત્પત્તિ સ્વીકારે છે. પ્રજ્ઞાપના 3-319 - પૃ. 531 માં નીચે પ્રમાણે કહેવામાં આવ્યું