________________
૬૧
– જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
થાય છે. અંગબાહ્યમાં ગણધર પછીના આચાર્યોએ તે બાર અંગોમાંથી ભિન્ન ભિન્ન વિષયો ઉપર સર્વસાધારણ લોકોને સમજાય તેવા જે ગ્રંથો રચ્યા તેમનો સમાવેશ થાય છે.17 વખત જતાં જૈનેતર અને લૌકિક શાસ્ત્રોને પણ અંગબાહ્યમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં. આમ કરવાથી એ પ્રશ્ન થયો કે જૈનેતરગ્રંથોને સભ્યશ્રુતજ્ઞાન કઈ રીતે કહી શકાય. આના ઉત્તરમાં કહેવામાં આવ્યું કે મોક્ષમાં ઉપયોગી થવું એ કોઈપણ શાસ્ત્રનો નિયત સ્વભાવ નથી, પણ તેનો આધાર તો વાચકની યોગ્યતા ઉપર છે. જો વાચક યોગ્ય અને મુમુક્ષુ હોય તો લૌકિક શાસ્ત્રને પણ મોક્ષ માટે ઉપયોગી બનાવે છે અને જો વાચક યોગ્ય ન હોય તો તે આધ્યાત્મિક કોટિના શાસ્ત્રથી પણ પોતાને નીચો પાડે છે.18 અહીં જ્ઞાનના . સમ્યક્ત્વ-અસમ્યક્ત્વની વિચારણા પ્રમાણશાસ્ત્રની દૃષ્ટિએ કરવામાં આવી નથી, પણ અધ્યાત્મની દૃષ્ટિએ કરવામાં આવી છે.
અવધિજ્ઞાન
ઈન્દ્રિય અને મનની સહાય વિના આત્માને રૂપી પદાર્થોનું સાક્ષાત્ જ્ઞાન તે અવધિજ્ઞાન. તે રૂપી દ્રવ્યોના બધા પર્યાયોને જાણી શકતું નથી.19 વળી, જૈનોને મતે દ્રવ્યમન રૂપી છે, પરંતુ અવધિજ્ઞાન મનના પર્યાયોને જાણતું નથી. આત્માદિ અરૂપી દ્રવ્યને પણ તે જાણી શકતું નથી. આનો અર્થ એ કે દેશ અને કાળની દૃષ્ટિએ વિપ્રકૃષ્ટ રૂપી દ્રવ્યોને તે જાણે છે. કેટલી વિપ્રકૃષ્ટ વસ્તુને તેમ જ તેના કેટલા પર્યાયોને તે જાણશે તેનો આધાર અવધિજ્ઞાનાવરણીય’કર્મોના ક્ષયોપશમરૂપ આંતરિક શુદ્ધિ ઉપર છે. એ દૃષ્ટિએ અવધિજ્ઞાનના ત્રણ ભેદ કરવામાં આવ્યા છે - દેશાવિધ, પરમાધિ અને સર્વાધિક દેશવિધ અને ૫૨માધિના પણ જઘન્ય, ઉત્કૃષ્ટ અને અજઘન્યોત્કૃષ્ટ એવા ત્રણ અવાન્તર પ્રકારો માનવામાં આવ્યા છે.20 અવધિજ્ઞાનના મુખ્ય બે ભેદ છે - ભવપ્રત્યય અને ગુણપ્રત્યય. જન્મની સાથે જ પ્રાપ્ત થતું અવધિજ્ઞાન ભવપ્રત્યય છે જ્યારે જન્મ લીધા પછી વ્રત, નિયમ આદિના અનુષ્ઠાનના બળથી પ્રાપ્ત થતું અવધિજ્ઞાન ગુણપ્રત્યય અવધિજ્ઞાન છે. ભવપ્રત્યય અવધિજ્ઞાનમાં પણ આંતરિક કારણ કર્મોનો ક્ષયોપશમ તો અવશ્ય હોય જ છે. નારકો અને દેવોને ભવપ્રત્યય હોય છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદો છે- આનુગામિક, અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત. મનુષ્ય અને તિર્યંચને ગુણપ્રત્યય હોય છે.21 મન:પર્યાયજ્ઞાન
ઈન્દ્રિય અને મનની સહાય વિના બીજાના મનના પર્યાયોને સાક્ષાત્ જાણતું જ્ઞાન મન:પર્યાયજ્ઞાન છે.2જૈનોને મતે મન બે પ્રકારના છે– દ્રવ્યમન અને ભાવમન.
S-5