________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ॥ ૬૦
સમાઈ જાય છે પરંતુ બે-ચાર વાર બૂમ પાડવાથી તેના કાનમાં જયારે પૌદ્ગલિક શબ્દો પૂરતા પ્રમાણમાં ભરાઈ જાય છે ત્યારે એ શબ્દોનું વ્યક્ત આલોચનરૂપ ગ્રહણ કરવા સમર્થ બને છે. આ ગ્રહણ પૂર્વેની લાંબી પ્રક્રિયામાં જે અસ્ફુટ જ્ઞાન થતું રહે છે તેને વ્યંજનાવગ્રહ ગણવામાં આવે છે.15 અપ્રાપ્યકારી ઇન્દ્રિયોને સીધેસીધો અર્થાવગ્રહ જ થાય છે તે દર્શાવવા અરીસાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. અરીસાની સામે કોઈ વસ્તુ આવે કે તુરત જ એમાં એનું પ્રતિબિંબ પડી જાય છે અને તુરત જ તે દેખાય છે. આને માટે અરીસાની સાથે પ્રતિબિંબિત વસ્તુના સાક્ષાત્ સંયોગની જરૂર નથી. ફક્ત દર્પણ અને તે વસ્તુ યોગ્ય સ્થળમાં યોગ્ય અંતરે રહેલી હોય એટલું પૂરતું છે. આવું સન્નિધાન થતાં અરીસામાં પ્રતિબિંબ પડી જાય છે અને તુરત જ દેખાય છે. આ રીતે આંખની આગળ કોઈ રંગવાળી વસ્તુ આવી કે તુરત જ તેનું વ્યક્ત આલોચનરૂપ જ્ઞાન થાય છે. આને માટે આંખ અને વસ્તુનો સંયોગ અપેક્ષિત નથી.
શ્રુતજ્ઞાન
શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક છે અર્થાત્ મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું કારણ છે. પરંતુ તે કારણ ઉપાદાનરૂપ નહીં પણ નિમિત્તરૂપ સમજવાનું છે. શ્રુતજ્ઞાનનું ઉપાદાનકારણ તો શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ આંતરિક શુદ્ધિ છે. શ્રુતજ્ઞાનનો અર્થ વક્તાનાં વાકયોને સાંભળીને તે વાક્યોના અર્થગ્રહણપૂર્વક જે જ્ઞાન થાય તે. વાક્યો વાંચીને તેના અર્થગ્રહણ દ્વારા જે જ્ઞાન થાય તે પણ શ્રુતજ્ઞાન. આમ, * શ્રુતજ્ઞાનને માટે સૌપ્રથમ ઉચ્ચરિત વાક્યોનું શ્રાવણપ્રત્યક્ષ કે લિખિત વાક્યોનું ચાક્ષુષપ્રત્યક્ષ થવું જરૂરી છે. ત્યાર પછી તે સાંભળેલા કે વાંચેલા વાક્યના અર્થગ્રહણની પ્રક્રિયા શરૂ થાય છે. આ અર્થગ્રહણ એ શ્રુતજ્ઞાન છે. આ અર્થમાં મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનનું નિમિત્તકારણ કહી શકાય. વળી, બોલાયેલાં કે લખાયેલાં વાક્યો જેમાં • સંગ્રહીત થયાં હોય તે ગ્રંથાદિ પણ ઉપચારથી શ્રુતજ્ઞાન કહેવાય છે. જ્યાં સુધી ઈન્દ્રિય દ્વારા થયેલું મતિજ્ઞાન બરાબર પુષ્ટ ન થાય ત્યાં સુધી શબ્દમાં મૂકી શકાતું નથી. પુષ્ટ થયેલું મતિજ્ઞાન જેવું શબ્દબદ્ધ થાય છે તેવું તે મતિજ્ઞાન ન રહેતાં શ્રુતજ્ઞાન બની જાય છે. અર્થાત્ શબ્દબદ્ધ થયેલું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. આ અર્થમાં પણ મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનનું નિમિત્તકારણ છે.
જેને જૈનો શ્રુતજ્ઞાન કહે છે તે શબ્દપ્રમાણ કે આગમપ્રમાણ છે. જૈનોને મતે શ્રુતજ્ઞાનના બે પ્રકાર છે - અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. અંગપ્રવિષ્ટમાં મહાવીરે ઉપદેશલા અને એ ઉપદેશને આધારે ગણધરોએ રચેલાં બાર અંગોનો સમાવેશ