________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદર્શનવિચારણા. ૫૮ પરંતુ તેનું પ્રયોજન પ્રત્યક્ષાદિનું સ્વરૂપ નક્કી કરવાનું તેમ જ તર્કશાસ્ત્રની દૃષ્ટિએ તેમનો વિચાર કરવાનું નથી. તે તો અધ્યાત્મમાર્ગનો સાધક છે અને સામાન્ય જનની જેમ તેણે જે સાંભળ્યું તે પર મનન કરે છે. એટલે તે જે પ્રમાણોનો પ્રયોગ કરે છે તે પ્રમાણો વિશે તેને શાસ્ત્રીય જ્ઞાન હોવું આવશ્યક નથી, અને તેને એ પણ ખ્યાલ ન હોય કે તેણે ક્યાં ક્યાં પ્રમાણોનો પ્રયોગ કર્યો અને તે દરેકને શું નામ અપાય ? અલબત્ત, એ વાત સાચી કે મનનપ્રક્રિયામાં સાધક તર્કશાસ્ત્રીય દષ્ટિ વિના કે તે દષ્ટિના ભાન વિના પ્રત્યક્ષ આદિ પ્રમાણોનો પ્રયોગ કરે છે. આનો લાભ લઈ ઉત્તરકાલીન જૈન તાર્કિકોએ (જેમાં નંદિસૂત્ર આદિ આગમોનો પણ સમાવેશ થઈ જાય) મતિજ્ઞાનમાં એ બધાં પ્રમાણોનો સમાવેશ કરી પ્રમાણશાસ્ત્રીય દૃષ્ટિએ તેમની વિચારણા કરી. આમ, મતિજ્ઞાન તેમને મતે તે બધાં પ્રમાણ માટેનું એક સામાન્ય નામ બની ગયું. આપણે જોયું તેમ “વિજ્ઞાન શબ્દ અહીં નિદિધ્યાસનનો અર્થ આપે છે. મનન કર્યા પછી સ્થિર થયેલા સત્ય ઉપર ધ્યાન કરી તે સત્યનો સાક્ષાત્કાર કરવો એ જ વિજ્ઞાન કે નિદિધ્યાસન છે. જૈનદર્શન આચારપ્રધાન છે અને મુખ્યપણે અધ્યાત્મશાસ્ત્ર છે, એટલે એમાં પ્રમાણશાસ્ત્રની શાસ્ત્રીય દૃષ્ટિની અપેક્ષા ન રખાય પરંતુ અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિની જ અપેક્ષા રખાય, અધ્યાત્મશાસ્ત્રમાં તત્ત્વનો સાક્ષાત્કાર કરવાની પ્રક્રિયા - શ્રદ્ધા, શ્રવણ, મનન અને નિદિધ્યાસન છે. સાધકને માટે પ્રમાણશાસ્ત્રનું શાસ્ત્રીય જ્ઞાન આવશ્યક નથી. પ્રમાણશાસ્ત્ર ન ભણેલો પણ સારું મનન કરી શકે અને એ જ અહીં અપેક્ષિત છે. આ વસ્તુ ઉત્તરકાળે ભુલાઈ ગઈ લાગે છે અને પરિણામે શ્રત પછી આવતા મતિનો ક્રમ ઉલટાવી દેવામાં આવ્યો છે અને મતિ અને શ્રુતનો મુખ્યપણે પ્રમાણશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. વળી, વિજ્ઞાનમાં કે વિજ્ઞાનને સ્થાને અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાનનું ત્રિતય ઉત્તરકાલીનોએ
મૂકી દીધું છે. આમ, ઉત્તરકાલીનોએ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન,મન:પર્યાયજ્ઞાન છે. અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાનોની ચર્ચા કરી છે.
શ્વેતાંબર અને દિગંબર બને પરંપરાઓને માન્ય તેમજ આગમગત સામગ્રીને વ્યવસ્થિત કરી સંકલન કરનાર ગ્રંથ તત્ત્વાર્થસૂત્ર અને તેના ભાગ્યમાં જ્ઞાન અને દર્શનના વિશે સ્થિર થયેલી જૈન માન્યતા નીચે પ્રમાણે છે. ઉપયોગ જીવનું લક્ષણ છે. ઉપયોગ બે પ્રકારનો છે - ૧. સાકાર અને ૨. અનાકાર. અર્થાત જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. જ્ઞાનોપયોગ આઠ પ્રકારનો છે – મતિજ્ઞાનોપયોગ, શ્રુતજ્ઞાનોપયોગ, અવધિજ્ઞાનોપયોગ, મન:પર્યાયજ્ઞાનોપયોગ, કેવળજ્ઞાનોપયોગ, મત્યજ્ઞાનોપયોગ, શ્રુતજ્ઞાનોપયોગ અને વિર્ભાગજ્ઞાનોપયોગ. દર્શનોપયોગ ચાર