________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ૪૬
ચિત્તનાં બંધન અને મુક્તિ
ચિત્ત અવિવેક, કલેશો અને કર્મોથી બંધાયેલું છે. અવિવેકને કારણે રાગાદિ લેશ અને રાગાદિ કલેશને કારણે કર્માશય થાય છે. આ કારણે યોગવાર્તિકકાર ઉત્તરોત્તર ત્રણ મોક્ષની વાત કરે છે. પહેલી મુક્તિ જ્ઞાનથી (વિવેકજ્ઞાનથી) થાય છે. આ મુક્તિ મિથ્યાદર્શનમાંથી મુક્તિ છે. બીજી મુક્તિ રાગદ્વેષના ક્ષયથી થાય છે. આ મુક્તિ કલેશોમાંથી મુક્તિ છે. ત્રીજી મુક્તિ કર્મક્ષયથી થાય છે. આ મુક્તિ કર્મમાંથી મુક્તિ છે.137 અવિવેક, કલેશ અને કર્મોથી મુક્ત થયેલું ચિત્ત પોતાના કારણમાં લય પામે છે.138 પરંતુ આ તો તેમની દાર્શનિક પ્રક્રિયાને કારણે તેમને સ્વીકારવું પડતું એક અનિવાર્ય ફલિત છે, જે ચિત્તથી ઉપરવટ પુરુષરૂપ જુદું તત્ત્વ માનવાથી આવી પડ્યું છે. એક સ્થાને ચિત્તશુદ્ધિને કૈવલ્ય ગણવામાં આવ્યું છે.139 બંધનાવસ્થામાં ચિત્ત સૂક્ષ્મ શરીર દ્વારા સંસરણ કરે છે. સૂક્ષ્મ શરીરના એક ઘટક તરીકે ચિત્તને જણાવવામાં આવેલ છે. બીજાં ઘટકો છે અગિયાર ઈન્દ્રિયો અને પાંચ તન્માત્રાઓ.14
૩. જૈન આત્મા અને સાંખ્ય-યોગસંમત આત્મા
જૈન આત્મા પ્રતિશરીર ભિન્ન છે અને સાંખ્ય આત્મા પણ પ્રતિશરીર ભિન્ન છે. આ એક બાબતને બાદ કરતાં બીજી કોઈ બાબતમાં તે બન્ને વચ્ચે સમાનતા જણાતી નથી. જૈન આત્માના સ્વરૂપ તરીકે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય સ્વીકારાયાં છે, જ્યારે સાંખ્યયોગના આત્માના સ્વરૂપ તરીકે કેવળ દર્શન સ્વીકારાયું છે. જૈન આત્મા પરિણામિનિત્ય છે જ્યારે સાંખ્યયોગમાન્ય આત્મા ફ્રૂટસ્થનિત્ય છે. જૈન આત્મા વાસ્તવિક દૃષ્ટિએ કર્તા અને ભોક્તા છે, જ્યારે સાંખ્યયોગસંમત આત્મા અકર્તા અને અભોક્તા (અથવા તો ગૌણ ભોક્તા) છે. તેથી જૈનદર્શન આત્મામાં શુદ્ધિ-અશુદ્ધિરૂપે ગુણોની હાનિવૃદ્ધિ યા પરિણામ સ્વીકારે છે; જ્યારે સાંખ્યયોગ પરંપરા એવું કંઈ માનતી નથી. જૈનપરંપરા અનુસાર આત્મા સ્વદેહપરિમાણ યા સંકોચવિસ્તારશીલ છે, જ્યારે સાંખ્યયોગ અનુસાર આત્મા વિભુ છે. જૈનમતે આત્માને પૌદ્ગલિક કર્મનાં આવરણો છે, જ્યારે સાંખ્યયોગમતે તેને પૌદ્ગલિક કર્મનાં આવરણો નથી. હકીકતમાં તો સાંખ્યયોગ પરંપરા આત્માને કોઈપણ પ્રકારનાં આવરણો સ્વીકારતી નથી. જૈન પરંપરા અનુસાર આત્મા ગતિ કરે છે, જ્યારે સાંખ્યયોગ પરંપરા અનુસાર આત્મા ગતિ કરતો નથી. જૈનમતે આત્માને બંધન અને મુક્તિ વાસ્તવિક છે, જ્યારે સાંખ્યમતે આત્માને બંધન અને મુક્તિ ઔપાધિક છે.