________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા # ૪૪ ૨. આ. ચિત્ત
ચિત્તનું સ્વરૂપ
સાંખ્યયોગમતે ચિત્ત સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ દ્રવ્યોનું બનેલું છે.123 ચિત્ત પૂર્વોકત ત્રણ દ્રવ્યોનું બનેલું હોવા છતાં તેમાં સત્ત્વદ્રવ્ય પ્રધાન કારણ છે.12‘તેથી તેને ચિત્તસત્ત્વ કે બુદ્ધિસત્ત્વ પણ કહેવામાં આવે છે. તેને અન્તઃકરણને નામે પણ ઓળખવામાં આવે છે. ચિત્ત ત્રિગુણાત્મક હોવાથી તે સુખદુ:ખમોહાત્મક છે તેમ જ પ્રખ્યા-પ્રવૃત્તિ-સ્થિતિરૂપ છે. પ્રખ્યાનો અર્થ છે જ્ઞાન યા પ્રકાશ. આ સત્ત્વ, રજસ્ અને તમસ્ દ્રવ્યો પોતાનામાંથી એક પ્રધાન અને બાકીના બે ગૌણ બની ચિત્તની અનુક્રમે શાંત, ઘોર અને મૂઢ અવસ્થાઓ ઉપજાવે છે.125
ચિત્તનું પરિણામીપણું
ચિત્ત તેના બધા જ વિષયોને જાણતું નથી, તે કેટલાકને જાણે છે અને કેટલાકને જાણતું નથી. આનું કારણ એ છે કે ચિત્તને પોતાના વિષયને જાણવા વિષયાકારે પરિણમવું પડે છે. ચિત્ત જે વિષયના આકારે પરિણમે છે તેને જ જાણે છે, બીજાને જાણતું નથી. જો વિષયને જાણવા ચિત્તને માત્ર વિષયનું પ્રતિબિંબ જ ઝીલવાનું હોત તો સ્વપ્નમાં ચિત્તને હાથીનું જ્ઞાન ન થાત કારણ કે બિંબ વિના પ્રતિબિંબ સંભવતું નથી અને સ્વપ્નમાં તો બાહ્ય હાથી વિના હાથીનું જ્ઞાન થાય છે. આ બતાવે છે કે ચિત્ત હાથીના આકારે પરિણમી હાથીનું જ્ઞાન કરે છે અને ચિત્ત હાથીના આકારે પરિણમે તે માટે ચિત્ત સમક્ષ હાથીનું હોવું અત્યંત આવશ્યક નથી. આ ઉપરથી ફલિત થાય છે કે ચિત્ત પ્રતિબિંબ દ્વારા નહીં પણ પરિણામ દ્વારા બાહ્ય પદાર્થને જાણે છે. આમ, ચિત્ત પરિણમનશીલ પુરવાર થાય છે.126
ચિત્તનું કર્તૃત્વ
ઇચ્છા, રાગ, દ્વેષ, ક્રોધ, વગેરે ચિત્ત કરે છે. ચિત્ત ઇચ્છા, રાગ, દ્વેષ ક્રોધ વગેરે રૂપે પરિણમે છે. જૈન પરિભાષામાં કહીએ તો ચિત્ત ભાવકર્મનો ર્તા છે. ઇચ્છાપૂર્વકની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ ચિત્તની જ પ્રવૃત્તિ કહેવાય, કારણ કે તે પ્રવૃત્તિના મૂળમાં ચિત્ત છે. ચિત્તનું ભોક્તૃત્વ
ચિત્ત પોતે સુખરૂપે કે દુઃખરૂપે પરિણમે છે. અર્થાત્ ચિત્ત પોતે સુખી કે દુઃખી બને છે. આ અર્થમાં ચિત્તને સુખદુઃખનો ભોક્તા ગણી શકાય. આમ મુખ્ય ભોક્તત્વ ચિત્તમાં છે. આ રીતે માનતાં જે કર્મ કરે છે તે જ તે કર્મનું ફળ સુખ કે દુઃખ ભોગવે છે એ ઘટી શકે. ભોગ એ કલેશમૂલક છે.127 -એટલે